નવી દિલ્હીઃ દેશના કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફટકડીનું પાણી પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે અને સંક્રમિત વ્યક્તિ પણ જલદી ઠીક થઈ જતાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, ફટકડીના પાણીના સેવનથી કોરોના વાયરસથી બચી શકાય છે અને તેનાથી સંક્રમિત વ્યક્તિ પણ જલદી સ્વસ્થ થઈ જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરતાં લખ્યું, આ દાવો બોગસ છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ યોગ્ય સારવાર માટે વિશ્વસનીય ડોક્ટરની સલાહ જરૂર લો.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3754 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,818 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 86 લાખ 71 હજાર 122
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 45 હજાર 237
- કુલ મોત - 2 લાખ 46 હજાર 116
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 01 લાખ 76 હજાર 603 ડોઝ આપવામાં આવ્યા છે.