ગાંધીનગર: રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની દિવાળી સુધારી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દિવાળીના તહેવાર પહેલા કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવશે. 21થી 23 ઓક્ટોબર સુધીમાં પગાર ચૂકવાશે. વર્ગ 4ના 31 હજાર 500 સરકારી કર્મચારીઓને રૂપિયા 3500 દિવાળી બોનસ પેટે આપવામાં આવશે.


મોંઘવારી ભથ્થામાં વધારાને લઈ હાલ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. મોંઘવારી ભથ્થામાં 5 ટકા વધારો કરવામાં આવે તો સરકારને 1500 કરોડનો બોજ આવે તેમ હોવાથી નિર્ણય નથી લેવામાં આવ્યો. નાણાંકિય ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખ્યા પછી જ મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય લેવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, રાજ્યમાં ત્રણ નવી મેડિકલ કોલેજ બનશે. પોરબંદર, નવસારી અને રાજપીપળામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે. 325 કરોડનો ખર્ચ કરી એક-એક કોલેજનું નિર્માણ કરાશે. કેંદ્ર સરકારે પાંચ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે જે પૈકી ત્રણની આજે જાહેરાત કરવામાં આવી છે. નવી ત્રણ મેડિકલ કોલેજની જાહેરાતથી 500 બેઠકો વધશે. રાજ્યના 33 જિલ્લામાંથી 19 જિલ્લામાં 23 મેડિકલ કોલેજો છે. જો કે નવી બનનારી ત્રણેય મેડિકલ કોલેજો સરકારી છે તેવી પણ જાહેરાત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી.