કચ્છમાં મીઠીરોહર નજીક સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી વિદેશી દારૂની 900 પેટીઓ જપ્ત કરી હતી. મળતી જાણકારી અનુસાર, સ્ટેટ મોનિંટરિંગ સેલે કચ્છના મીઠીરોહર નજીક દરોડા પાડ્યા હતા અને 900 થી વધુ વિદેશી દારૂની પેટી ભરેલા કંન્ટેનરને ઝડપી પાડ્યું હતું. આ દારૂની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા થાય છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. ગઈકાલે મોડી સાંજે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે કન્ટેનરમાંથી અંદાજિત 900 થી વધુ દારૂની પેટી જપ્ત કરી હતી.
મળતી જાણકારી અનુસાર, મીઠીરોહર સીમમાં આવેલા રાધે કોમ્પલેક્સ સામેના ભાગમાં મારૂતિ નામથી પાંચ ગોદામ આવેલા છે. આ ગોદામના પાર્કિંગમાંથી એક કન્ટેનર ટ્રેઇલરની તલાશી લેતાં તેમાં દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. સાથે બીજી બે ટ્રક પણ જપ્ત કરવામાં આવી હતી. ત્રણે વાહનો બી-ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા હતા.
સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર, આ ગોદામ અમિત મુકેશ ચૌહાણ નામની વ્યક્તિએ 11 દિવસ પહેલાં જ ભાડે રાખ્યું હતું. આ દારૂ કોણે મંગાવ્યો હતો તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ સમાજના લોકો ઉપર પાસા કરવા કલેક્ટરને લેટર લખ્યો છે. એક કે તેથી વધુ વખત દારૂના કેસ થયેલ છે તેવા ઈસમોને પાસા કરવા માટે પત્ર લખી 9 જેટલા ઈસમો સામે ગેનીબેને પાસા કરવા માટે રજૂઆત કરી હતી.
9 જેટલા ઈસમો ઉપર ગુનાઓ નોંધાયા હોવા છતાં બનાસકાંઠા એસપી દ્વારા તેમને તડીપાર કે પાસા ન કરાયા હોવાના ગેનીબેનના આક્ષેપ છે. જો કોઈ કાર્યવાહી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ગેનીબેને અલગ-અલગ સમાજોના વ્યક્તિઓ ઉપર પાસા કરવાનો પત્ર લખતા અનેક સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે. ધારાસભ્યને વિકાસના કામ માટે પત્ર લખવો જોઈએ, કોઈને પાસા કરવા માટે પત્ર લખવો એ ધારાસભ્યને શોભતું ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દારૂબંધીને લઈને આક્રમક થતાં અનેક વખત જોવા મળ્યાં છે. તેમણે પોતાના વિસ્તારમાં જનતા રેડ કરીને દારૂના અડ્ડાઓ ઝડપ્યાં છે.
Join Our Official Telegram Channel: