બનાસકાંઠા:  રાજ્યની સ્ટેટ મોનીટરીંગ ટીમે અમીરગઢના કોરોના હોટલ પાસેથી 2,51,168 રૂપિયાની 1883 વિદેશી દારૂની બોટલો  અને બિયરના ટીન ઝડપી પાડયા છે.  SMCની ટીમે બાતમીના આધારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશેલી ગાડીને રોકાવીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 


SMCની ટીમે દારૂની લાઇન ચલાવનાર  તેમજ પાયલોટીંગ કરનાર રાજસ્થાનના આબુરોડના મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ ડાભીની અટકાયત કરી છે. ઝડપાયેલ દારૂ ભરેલ ગાડીના ચાલક અને ક્લીનર બંને ફરાર થઈ ગયા છે. 


SMCની ટીમે વિદેશી દારૂ અને ગાડી સહિત 12,61,168 રૂપિયાનો મુદ્દામાલ  જપ્ત કર્યો છે.  અમીરગઢ પોલીસે ગાડીના ચાલક, ક્લીનર અને દારૂ ભરાવનાર તેમજ મંગાવાનાર અન્ય 9 લોકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.   ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજબરોજ ક્યાંકને ક્યાંક દારૂ પકડાયાની ઘટના સામે આવે છે. 


સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ


રાજ્યમાં નકલી દારુ, દારુ બનાવવાની ફેક્ટરી, દારુ અન્ય બોર્ડરમાંથી ગુજરાતમાં અંદર લાવવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ડુપ્લિકેટ દારુ બનાવાતો હોવાનું સામે આવ્યું હતું. મોરબી જિલ્લાના  માળિયાના નવા દેવગઢ ગામે રહેણાંક મકાનમાં સસ્તી ઈંગ્લીશ દારૂની બોટલમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂ બનાવી વેચાણ કરવાના કોભાંડનો પર્દાફાશ થયો હતો..   મોરબી એલસીબી ટીમે બે શખ્સોને ઝડપી લઈને 2.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.  તેમજ અન્ય છ આરોપીઓના નામો ખુલતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


મોરબી જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે  દરમિયાન પોલીસે  બાતમીને આધારે માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપ જીવણ સવસેટા અને જયરાજ જીવણ સવસેટા બંને ભાઈઓ ભેગા મળી પોતાના મકાનમાં સસ્તા ભાવના ઈંગ્લીશ દારૂમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી.  જ્યાં આરોપીના રહેણાંક મકાન ખાતેથી પોલીસે આરોપી જયદીપ સવસેટા અને જયરાજ સવસેટા રહે બંને નવા દેવગઢ વાળાને ઝડપી લીધા હતા.  અન્ય આરોપીઓને લઈ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.   


કુલ રૂપિયા 2,79,705  નો મુદામાલ જપ્ત કરાયો


જ્યાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 12  કીમત રૂપિયા 4500  અન્ય બ્રાંડની દારૂની બોટલ નંગ 04  કિંમત રુપિયા 7200, ડુપ્લીકેટ તૈયાર કરેલ ઈંગ્લીશ દારૂ પ્રવાહી લીટર 40 કિંમત રૂપિયા 2,25,000  તેમજ દારૂની ખાલી બોટલ નંગ 384 કિંમત રૂપિયા 7680  અન્ય બ્રાંડની દારૂની ખાલી બોટલ નંગ 780 કિંમત રૂપિયા 15,600 તેમજ બોટલ પર લગાડવાના અલગ-અલગ કંપનીના ઢાંકણા નંગ 1540 કિંમત રૂ 15,400 તેમજ બોટલ પર લગાડવાના સ્ટીકર નંગ 2200 તેમજ હેન્ડ મશીન નંગ 02 કિંમત રૂપિયા  1000 અને મોબાઈલ કિંમત રૂપિયા  2000  સહીત કુલ રૂપિયા 2,79,705  નો મુદામાલ કબજે લીધો હતો.