નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રજાના દિવસોમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે ત્યારે આવનારી 2જી ઓક્ટોબર 2023, 27 નવેમ્બર 2023 અને 25 ડિસેમ્બર 2023ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રાખવામાં આવશે. રેગ્યુલર દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે મેન્ટનન્સ માટે બંધ રાખવામાં આવતું હોય છે. જોકે 3 ઓકટોબર મંગળવાર, 28 નવેમ્બર મંગળવાર અને 26 ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં 2 ઓકટોબરે ગાંધી જયંતિ, 27 નવેમ્બર ગુરુનાનક જયંતિ અને 25 ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.
દીવ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર
સંઘ પ્રદેશ દીવમાં 15 જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી બાર અને વાઇન શોપમાં એક્સાઈઝ વિભાગ તપાસ કરી રહ્યું હતું. જેને લઈ બાર અને વાઈન શોપ બંધ કરવામાં આવ્યા છે. જો કે દીવ આવતા પ્રવાસી અને ડ્રીંક્સ કરનારા લોકોની મુશ્કેલી પણ વધી છે. જ્યારે બાર અને વાઈનશોપમાં કામ કરતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. એવી પણ ચર્ચા છે કે દીવમાંથી દારૂ ગુજરાતમાં જતો હતો જેના કારણે સતત ચેકીંગ કરાતું હતું.આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની પણ શક્યતા છે. જેમાં બારમાં દારુની બોટલ સીલ તોડ્યા વિના આપવી કે પછી બારમાં કેટલા પ્રમાણમાં સ્ટોક રાખવો સહિતના નિયમોનો સમાવેશ થાય છે. જો કે બાર અને વાઈન શોપ બંધ થવાને લઈ સાચુ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
વાઇન શોપમાં કામ કરનારા લોકોની પણ મુશ્કેલી વધી
બાર અને વાઇન શોપ બંધ થતા બાર માલિકોની સાથે-સાથે દીવ આવનારા પ્રવાસી અને ડ્રીંક્સ કરનારા લોકોની મુશ્કેલી વધી છે. ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલંઘન થયું હોવાની વાતો વહેતી થઈ છે. દીવ બાર અને વાઇન શોપમાં કામ કરનારા લોકોની પણ મુશ્કેલી વધી છે. હવે ક્યારે બાર ખુલશે તે કેહવું મુશ્કેલ છે. હાલ અમુક બાર અને વાઇન શોપ ખુલા છે જ્યાંથી પ્રવાસીઓ અને દીવના લોકો દારૂની ખરીદી કરી રહ્યા છે.