સુરેન્દ્રનગર:  સુરેન્દ્રનગરના થાન તાલુકાનું અભેપર ગામ જ્યાં ખનીજ માફિયાઓએ ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. અભેપર ગામની સીમમાં ગેરકાયદે ખનીજ ચોરી થઈ રહી હતી. બાતમી મળતાં ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે રાત્રે ચેકિંગ કરવા ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમયે ખનીજ માફિયાઓએ પથ્થરમારો કરી લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીને તો સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ એક સુરક્ષાકર્મીને ગંભીર ઈજા થઈ હતી. સુરક્ષાકર્મીને આંખ નજીક 3 ટાંકા લેવા પડ્યા હતા. ખનીજ માફિયાઓ દ્વારા પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ફાયરિંગની પણ ઘટના બની હતી.

  


સ્વબચાવમાં 2 સુરક્ષાકર્મીઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યાનું અનુમાન છે. હાલ તો  8 ખનીજ માફિયા સહિત 15 આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.


સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા થાન તાલુકામાં થઈ રહેલી ગેરકાયદેસર ખનીજચોરી રોકવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અભેપર ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે ખનીજ વિભાગની ટીમ દ્વારા રેઈડ  કરવામાં આવી હતી.  આ  દરમિયાન એક હીટાચી અને બે ડમ્પર વડે સ્થળ પર ખનીજચોરી થતી હોવાનું જણાઈ આવ્યું હતું. 




બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો


ખનીજ વિભાગની ટીમે ખનીજચોરી બંધ કરાવી હતી. જે મામલે સામસામે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ડમ્પરચાલકોએ બહારથી અન્ય વ્યક્તિઓને બોલાવતા અંદાજે 7 થી 8 વ્યક્તિઓ ગણતરીની મિનીટોમાં આવી પહોંચ્યા હતા અને ખાણખનીજ વિભાગની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.


સ્વબચાવમાં ખનીજ ટીમના સીક્યોરીટી ગાર્ડ દ્વારા હવામાં ફાયરિંગ


જેમાં સ્વબચાવમાં ખનીજ ટીમના સીક્યોરીટી ગાર્ડ દ્વારા હવામાં બે ફાયરિંગ કરતાં નાસભાગ મચી જવા પામી હતી. ખાણ ખનીજની ટીમ બાદ પોલીસે સ્થળ પર જઈ રેઈડ કરી હતી. જેમાં માત્ર એક હીટાચી મશીન મળી આવ્યું હતું. જ્યારે ભૂમાફિયાઓ ડમ્પરો લઈ નાસી છુટયા હતા. જ્યારે પથ્થરમારામાં સીક્યોરીટી ગાર્ડને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝરએ  7 થી 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.