પંચમહાલના કાલોલમાં પોલીસે કોઈ ગુનામાં આરોપીની  ધરપકડ કરી હતી.  પોલીસ આરોપીને પકડીને પોલીસ સ્ટેશન પહોંચતા જ વાત વણસી હતી.  થોડી જ ક્ષણોમાં 60થી 70 લોકોનું ટોળુ પોલીસ મથક પહોંચ્યું હતું.  જ્યાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કંઈ સમજે તે પહેલા જ 60થી 70 લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. 


પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતું ટોળુ વિફર્યું હતું.  આખરે પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટિયરગેસના સેલ છોડ્યા અને ટોળાને વિખેર્યા હતા.  પોલીસે પીછો કરતા ટોળા પોલીસ મથકથી તો ભાગ્યા પરંતું બજારમાં દુકાનોના બહાર પડેલા માલ સામાન અને વાહનોને પણ નુકસાન પહોંચાડયું હતું.  પોલીસ પર હુમલાની ઘટનાની જાણ થતા રેંજ આઈજી અને જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો કાલોલ ખાતે પહોંચ્યો હતો. સ્થિતિને પગલે કાલોલમાં વધારાની પોલીસ ફોર્સ પણ ઉતારવામાં આવી છે.  હાલ પોલીસે  કાલોલ શહેરમાં કોમ્બિંગ શરૂ કર્યું છે અને પથ્થરમારો કરી કાયદો- વ્યવસ્થાની સ્થિતિ ડહોળનારા તત્વોને પકડી પાડવા કવાયત શરૂ કરી છે.