Kinjal Dave controversy: ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનો એક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો છે. આ મામલે હવે બ્રહ્મ સમાજના અગ્રણી અને કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે કિંજલ દવે સામે મોરચો માંડ્યો છે. હેમાંગ રાવલે કિંજલ દવે પર 'વિક્ટિમ કાર્ડ' રમવાનો આરોપ લગાવતા કહ્યું છે કે સમાજ દ્વારા લેવાયેલો નિર્ણય બંધારણીય અને યોગ્ય છે. કિંજલ દવેએ સમાજના આગેવાનો પર કરેલા 'અસામાજિક' હોવાના અને બાળલગ્નના આક્ષેપોને રાવલે પાયાવિહોણા ગણાવીને પુરાવા રજૂ કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેના વાયરલ વીડિયો પ્રકરણમાં હવે સામાજિક યુદ્ધ છેડાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા કિંજલ દવેના કિસ્સામાં લેવાયેલા સામાજિક નિર્ણય બાદ મામલો ગરમાયો છે. બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સમાજે જે પણ નિર્ણય લીધો છે તે સમાજના બંધારણને આધીન રહીને અને સર્વાનુમતે લેવામાં આવ્યો છે. દરેક સમાજને પોતાના સામાજિક નિર્ણયો લેવાની સ્વાયત્તતા હોય છે અને બ્રહ્મ સમાજનો આ નિર્ણય જરા પણ ખોટો નથી.
હેમાંગ રાવલે કિંજલ દવે પર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે, તે પોતાની ઉપર લાગેલા ગંભીર આરોપોનો સામનો કરવાને બદલે અત્યારે સહાનુભૂતિ મેળવવા માટે 'વિક્ટિમ કાર્ડ' ખેલી રહી છે. સમાજ દ્વારા આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ દીકરીઓ પણ આવા પગલાં ભરતા પહેલા સો વાર વિચાર કરે. સમાજનું કામ નવી પેઢીને સાચા રસ્તે વાળવાનું છે અને આ નિર્ણય તે જ દિશામાં લેવાયેલું એક પગલું છે.
કિંજલ દવેએ પોતાના બચાવમાં સમાજના આગેવાનોને 'અસામાજિક' કહ્યા હતા અને સમાજમાં બાળલગ્ન થતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે હેમાંગ રાવલે વળતો જવાબ આપતા કહ્યું કે, આગેવાનો પર કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. જો કિંજલ દવે પાસે બ્રહ્મ સમાજમાં બાળલગ્ન થતા હોવાના કોઈ પણ પુરાવા હોય તો તે સમાજ સમક્ષ રજૂ કરે અથવા પોલીસ કેસ કરે. માત્ર વાતો કરીને સમાજને બદનામ કરવાનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં.
સમાજમાં દીકરીઓની પાંખો કાપવામાં આવે છે તેવા કિંજલના નિવેદન પર રોષ વ્યક્ત કરતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજમાં દીકરીઓને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. સમાજ હંમેશા દીકરીઓની પ્રગતિનો પક્ષધર રહ્યો છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ એ છે કે બ્રહ્મ સમાજની વાડીમાં દીકરીઓ માટે યુપીએસસી (UPSC) અને જીપીએસસી (GPSC) ના નિશુલ્ક વર્ગો ચલાવવામાં આવે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, જો કિંજલ દવે ઈચ્છે તો તે પણ આ ક્લાસનો લાભ લઈ શકે છે.
વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે બ્રહ્મ સમાજે ક્યારેય કિંજલ દવેની કળા કે પ્રગતિનો વિરોધ કર્યો નથી. ભૂતકાળમાં સમાજે તેને પ્રોત્સાહિત કરી છે અને તેના ગીત, સંગીત કે ડાન્સના કપડાં સામે ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. આમ છતાં, પાંખો કાપવાની ખોટી વાતો ફેલાવીને સમાજની છબી ખરડવાનો પ્રયાસ દુઃખદ છે. સમાજ જ્યારે એક દીકરી તરીકે તેને પ્રેમ આપતો હોય, ત્યારે તેની પણ ફરજ બને છે કે તે સામાજિક મર્યાદાઓનું પાલન કરે.
અંતમાં, બ્રહ્મ સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સામાજિક વડીલો અને આગેવાનોનું અપમાન હવે સહન કરવામાં આવશે નહીં. આગેવાનો પર કરવામાં આવેલા બેહૂદા અને મનઘડત આક્ષેપો સામે સમાજ મક્કમ છે. કિંજલ દવે જે રીતે પીડિત હોવાનો ડોળ કરી રહી છે તે સમાજની આંખમાં ધૂળ નાખવા સમાન છે. સત્ય એ છે કે બ્રહ્મ સમાજમાં બાળલગ્ન જેવી કુપ્રથાઓનું કોઈ સ્થાન નથી અને દીકરીઓને આગળ વધવાની પૂરતી તકો આપવામાં આવે છે.