Stray Dog Attacks: સુરત જ નહીં દ્વારકા અને રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુરનું વિરપર ગામમાં ચાર વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. વિશ્વાસ રાઠોડ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. આ સમયે અચાનક એક શ્વાને બાળકને મોઢાના ભાગે બચકા ભર્યા હતા. બાળકની બુમાબુમ સાંભળી પરિવારજનો ઘર બહાર દોડી આવ્યા અને સારવાર માટે બાળકને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકને આંખના ભાગે વધુ ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે તેને જામનગરની જી.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો.
તો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે. રખડતા શ્વાનોના ટોળાએ 7 વર્ષની બાળકીને ઘેરી વળ્યા હતા. ઘટના શનિવાર સવારની સાડા નવ વાગ્યાની છે. જંગલેશ્વરમાં મદ્રેસા નજીક ઉભેલી 7 વર્ષની બાળકીને શ્વાનોના ટોળાએ ઘેરી લીધી હતી. ચારેય તરફથી શ્વાનોથી ઘેરાઈ ગયેલી બાળકી ગભરાઈને બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકીની ચીંસોથી ડરીને શ્વાનોનું ટોળુ ભાગી જતા બાળકીનો બચાવ થયો હતો. તાજેતરમાં જ જંગલેશ્વર વિસ્તારમાં એક શ્વાને ચાર વર્ષીય બાળકીને ફાડી ખાધી હતી.
તો સુરતમાં પણ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં સાતથી આછ શ્વાને હુમલો કર્યો હતો. વાડીમાં બાળક પતંગ પકડવા ગયો હતો ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. બાળક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. પીપલોદ વિસ્તારમાં ખાનગી વાડીમાં રખડતા શ્વાન હતાં ત્યારે બાળક પર હુમલો કર્યો હતો. બાળક પર હુમલો કરતાં બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગુજરાતમાં શ્વાનનનો આતંક સતત વધી રહ્યો છે. રાજ્યામાં શ્વાન કરડવાના કિસ્સામાં જોરદાર ઉછાળ્યો આવ્યો છે. હાલમાં જ રાજકોટ જિલ્લામાં બે દિવસે 30થી વધુ લોકોને શ્વાન કરડવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. થોડા દિવસ પહેલા પણ રાજકોટ જિલ્લાના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો. ગોંડલના ભુવનેશ્વરી મંદિર પાસે શ્વાનનો આતંક વધ્યો છે, અહીં છેલ્લા બે દિવસમાં શ્વાને 30 જેટલા લોકોને બચકા ભર્યા છે, અહીંથી પસાર થતાં રાહદારીઓ અને ખાસ કરીને મંદિરે દર્શને આવતા ભક્તોને શ્વાને બચકા ભર્યા છે. શ્વાનના બચકા ભરવાની ઘટનાથી આખા વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે, તંત્ર અને પોલીસ દ્વારા કોઇ નક્કર ઉકેલ લાવવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.