અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોરોના વેક્સીનેશનમાં પ્રાથમિક્તા અપાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિધાર્થીઓને વેક્સીનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વૅક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફૉર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે.
કોરોના વાયરસની રફતાર ધીમી પડી
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોપોરેશન 264, વડોદરા કોપોરેશન 212, સુરત કોપોરેશન 155, વડોદરા 115,રાજકોટ કોર્પોરેશન 82, પોરબંદર 71, જુનાગઢ 70, સુરત 62, ગીર સોમનાથ 45, રાજકોટ 45, નવસારી 44, જામનગર કોર્પોરેશન 43, ભરૂચ 41, આણંદ 36, પંચમહાલ 34, ખેડા 33, વલસાડ 32, બનાસકાંઠા 30, કચ્છ 30, અમરેલી 28, દેવભૂમિ દ્વારકા 22, જામનગર 22, સાબરકાંઠા 21, જૂનાગઢ કોર્પોરેશન 15, મહેસાણા 17, અરવલ્લી 13, ભાવનગર કોર્પોરેશન 12, ગાંધીનગર કોર્પોરેશન 12, મહીસાગર 12, ભાવનગર 10, પાટણ 10, ગાંધીનગર 9, અમદાવાદ 6, દાહોદ 6, છોટા ઉદેપુર 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4, તાપી 4, મોરબી 1 બોટાદ 0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1681 નવા કેસ નોંધાયા છે.