Sukhdev Singh Gogamedi: રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા હતા. હત્યાના વિરોધમાં અમીરગઢ અને ઈકબાલગઢની બજારો સજ્જડ બંધ રહી હતી. તો કરણી સેના અને રાજપૂત યુવા સંગઠને ધાનેરા બંધનું પણ એલાન આપ્યું હતુ. સવારથી જ ધાનેરામાં વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હતી. કરણી સેના અને રાજપૂત યુવા સંગઠન રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે. અમીરગઢ અને ઇકબાલગઢના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
નોંધનીય છે કે ગઇકાલે પણ ગુજરાતમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા. ઉલ્લેખનીય છે કે સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ગુજરાતમાં કરણી સેના રોડ પર ઉતરી છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરી છે. તો બીજી તરફ રાજકોટમાં પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પણ આ મામલે લડાયક મૂડમાં છે. રાજકોટના કરણી સેનાના અધ્યક્ષ આશાબા વાઘેલાએ કહ્યું હતું કે સુખદેવસિંહની જિંદગી ખતરામાં હતી તેઓ જાણતા હતા અને તેમણે પોલીસ પ્રોટેકશન પણ માંગ્યુ હતું પરંતુ પોલીસે પ્રોટેકશન ન આપ્યું, રાજકોટ રાષ્ટ્રીય કરણી સેના હત્યાની ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી રહી છે.
દાંતીવાડાનું પાંથાવાડા પણ ગઇકાલે સજ્જડ બંધ રહ્યું હતું. તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના સમર્થકોએ હત્યારાને તાત્કાલિક કડક સજા મળે અને પરિવારના ન્યાય મળે તેવી માંગણી કરી હતી.
જયપુરના માનસરોવરમાં મેટ્રો માસ હોસ્પિટલની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે ધરણા ખત્મ થયાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસે 72 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે.
નોંધનીય છે કે ગોગામેડીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બુધવારે રાત્રે મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આજે સુખદેવ સિંહના મૃતદેહને તેમના વતન ગોગામેડી લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસે હરિયાણામાંથી બે લોકોની ધરપકડ કરી છે.