SUMUL DAIRY SURAT: સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મલી રહેલ દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો હતો. 


જેમાં ગાયના ફેટમાં કિલોએ 740 હતા તે વધીને 750 રૂપિયા થઇ ગયા છે. જયારે ભેંસના કિલો ફેટે 760 હતા. તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થઇ ગયા છે. આ ભાવ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ પડશે. આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે. જ્યારે સુમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો સમગ્ર સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મલી રહ્યો છે.


મોરબીમાં સેલ્ફીના ચક્કરમાં 20 વર્ષના યુવકે ગુમાવ્યો જીવ


આજકાલ લોકોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ ખુબ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યારેક આ સેલ્ફીનો ક્રેઝ ભારે પડે છે. ઘણા લોકોએ સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ ઘટના મોરબી જીલ્લાના ફાડસર ગામે સામે આવી છે. ફાડસર ગામે ધર્મ ઉર્ફે કાનો પરમાર નામના 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ યુવક તારાણા નજીક આવેલ આજી 4 ડેમ પાસે સેલ્ફી લઇ રહ્યો હતો ત્યારે તેનો પગ લપસતા તે ડેમમાં પડ્યો હતો અને બાદમાં તેનું મોત નિપજ્યું. યુવક ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોતને ભેટ્યો હતો. 20 વર્ષના યુવકના અચાનક મોતથી પરિવરામાં શોકનો માહોલ છે.


દરિયામાં ડૂબી જવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત


લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.  દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અચાનક દરિયામાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો


ભાવનગર  શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા  પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે. પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે  તેમને અડફેટે લીધા હતા. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.