Sunita Williams return date: ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમય બાદ આખરે પૃથ્વી પર પાછા ફરવા માટે તૈયાર છે. તેમના પરત ફરવાના સમાચારથી ગુજરાતમાં તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલ અને સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દિનેશ રાવલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુનિતા ખરેખર પૃથ્વી પર પગ મૂકશે નહીં ત્યાં સુધી તેમને શાંતિ નહીં મળે.

એએનઆઈ સાથે વાત કરતા દિનેશ રાવલે જણાવ્યું હતું કે સુનિતા તેમના કાકાની દીકરી છે અને તેમનો પરિવાર ખૂબ જ નાનો છે. તેમણે સુનિતાની વિદાય પહેલાની મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું, "હું જ્યારે અમેરિકા ગયો હતો ત્યારે તે જતી રહી હતી. તે અમને મળવા આવી હતી અને અમે ત્રણ-ચાર દિવસ સાથે રહ્યા હતા. મેં તેને પૂછ્યું પણ હતું કે શા માટે જઈ રહી છે, શું જવું જરૂરી છે? પરંતુ તેણે કહ્યું હતું કે તે દુનિયાને કંઈક આપવાના ધ્યેય સાથે જઈ રહી છે અને આ તેનો નિર્ણય હતો."

દિનેશ રાવલે સુનિતા સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુનિતાના પ્રવાસમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી, ફ્લાઇટમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે ક્યારેય હિંમત હારી નહોતી. તેમણે યાદ કરતાં કહ્યું કે જ્યારે સુનિતા ભારત આવી હતી ત્યારે તેઓ પરિવારે સાથે મળીને દ્વારકા અને સોમનાથ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ દીપકભાઈ (સુનિતાના પિતા), ભાઈ અને બંને છોકરીઓ સાથે આગ્રા અને દિલ્હી જેવા સ્થળોએ પણ ફર્યા હતા. એક વખત ઉદયપુરમાં રાત્રે સુનિતા એકલા બહાર ફરવા નીકળી ગયા હતા અને જ્યારે દિનેશભાઈએ તેમને ઠપકો આપ્યો કે છોકરી થઈને એકલા બહાર કેમ ગઈ, તો તે હસવા લાગી હતી અને કહ્યું હતું કે જો 15-20 દિનેશભાઈ પણ આવે તો તેમને ડર નહીં લાગે.

સુનિતાના સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાવાના સમાચાર મળ્યા બાદ આખો પરિવાર ખૂબ જ ચિંતિત હતો. દિનેશ રાવલે જણાવ્યું હતું કે ગામના લોકો અને સરપંચ પણ સુનિતા માટે ચિંતિત હતા અને તેમના પરત ફરવાના સમાચારથી તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સુનિતા સુરક્ષિત રીતે પાછી નહીં આવે ત્યાં સુધી તેમને શાંતિ નહીં થાય. દિનેશ રાવલે સરસપુર જઈને ભગવાનને સુનિતાની સલામત વાપસી માટે પ્રાર્થના પણ કરી હતી. સમગ્ર પરિવાર અને ગામ લોકો સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સલામત પુનરાગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.