Gujarat MSP News: ખેડૂતો માટે દિવાળીના દિવસે જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજે ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વનો અને હિતકારી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવી દીધી છે, એટલે કે હવે ખેડૂતો 11 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. 


રાજ્ય સરકારે ખેડૂતો માટે હિતકારી નિર્ણય લેતા આજે દિવાળીના દિવસે ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયાની તારીખને લંબાવી છે. ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. 03-10-2024 થી તા.31-10-2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પરંતુ હવે આ તારીખને 11 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. 


રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ.370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યના 160 જેટલા ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. 11-11-2024ના રોજથી શરૂ કરવામાં આવશે અને તા. 08-02-2025ના રોજ પૂર્ણ થશે.


આ પણ વાંચો...


રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા