Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટ 2002ના ગુજરાત રમખાણોની પીડિતા બિલ્કિસ બાનોની અરજી પર 13 ડિસેમ્બરે સુનાવણી કરશે. રાજ્ય સરકારે રમખાણો દરમિયાન બાનો પર બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવાના ગુના માટે દોષિત 11 લોકોની સજા માફ કરી દીધી છે, જેની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટ કરશે. આ 11 આરોપીઓની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ ચૂકી છે. બાનોના કેસ પર જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચ સુનાવણી કરશે. ગુજરાત રમખાણો દરમિયાન બાનો પર બળાત્કાર થયો હતો અને બાનોની ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 9 જુલાઈ, 1992ની નીતિ હેઠળ દોષિતોની સમય પહેલા મુક્તિ માટેની અરજી પર બે મહિનાની અંદર વિચાર કરવા જણાવ્યું હતું. 15 ઓગસ્ટના રોજ દોષિતોને મુક્ત કરવા માટે આપવામાં આવેલી માફી સામેની તેમની અરજીમાં બાનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાની જરૂરિયાતોને સંપૂર્ણપણે અવગણી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની અકાળે મુક્તિએ સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે અને તેના પરિણામે દેશભરમાં વિરોધ થયો છે. અગાઉના ચુકાદાઓને ટાંકીને, અરજી જણાવે છે કે સામૂહિક મુક્તિ માન્ય નથી. આવી માંગણી અથવા સત્તામાં, દોષિતના કેસ અને ગુનામાં તેણે ભજવેલી ભૂમિકાની તપાસ કર્યા વિના માફી આપી શકાતી નથી. અરજીમાં ગુનાની વિગતો આપતાં કહેવામાં આવ્યું છે કે બાનો અને તેની પુત્રીઓ ઘટનાક્રમથી આઘાતમાં છે.
શું છે સમગ્ર મામલો?
27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરા શહેરમાં એક ટ્રેનના S6 કોચને સળગાવી નાખવામાં આવ્યો હતો. કારસેવકો આ ટ્રેન દ્વારા અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, કોચમાં બેઠેલા 59 કાર સેવકો બળીને મૃત્યુ પામ્યા હતા. જે બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણોથી બચવા માટે, બિલ્કીસ બાનોએ તેની પુત્રી અને પરિવાર સાથે ગામ છોડી દીધું હતું. 3 માર્ચ, 2002ના રોજ જ્યાં બિલ્કિસ તેના પરિવાર સાથે છુપાયેલી હતી, ત્યાં કેટલાક લોકો પહોંચ્યા અને તેના પર હુમલો કર્યો. તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો. ત્યારે બિલ્કીસ 21 વર્ષની હતી અને તે 5 મહિનાની ગર્ભવતી હતી.
2008માં સજા થઈ
આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રની કોર્ટની દેખરેખ હેઠળ કરી હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને બાદમાં ગુજરાત સરકારે તેની નીતિ મુજબ મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 15 ઓગસ્ટના રોજ તમામ આરોપીઓ ગોધરા સબ જેલમાંથી બહાર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેણે જેલમાં 15 વર્ષથી વધુ સમય પૂરો કર્યો હતો.