બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામ બાદ મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન અને કોણ મારશે બાજી તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠામાં ચાર ભાજપ, ચાર કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય બન્યા છે જ્યારે ભાજપના ધારાસભ્યમાંથી કોને અને કહ્યું પદ મંત્રીમંડળમાં મળશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ભાજપમાંથી ચાર કદાવર નેતા ધારાસભ્ય બન્યા છે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપ દ્વારા નામો પર ચર્ચામાં હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાંથી ઓબીસી ચહેરાને મંત્રીમંડળનું પદ મળી શકે તેમ છે ત્યારે એ સમગ્ર મામલે સહકારી આગેવાનો મતે ઓબીસી ચહેરો આપવો જોઈએ. ઓબીસી ચહેરામાં શંકર ચૌધરી કે પછી કેશાજી ચૌહાણ કે પ્રવીણ માળીનો સમાવેશ થાય છે. સહકારી આગેવાનના મતે શંકર ચૌધરીને મંત્રીમંડળનો અનુભવ છે અને બનાસ ડેરીના ચેરમેન હોવાથી ખેડૂતો સાથે સીધા સંપર્કમાં છે તો બીજી તરફ ઓબીસીમાં નાની સમાજમાં પ્રવીણ માળીનું નામ પણ મોખરે છે. ત્યારે સહકારી આગેવાનના મતે શંકર ચૌધરીને મંત્રીમંડળમાં સમાવેશ કરી સારો હોદ્દો આપવાથી વિકાસ કાર્યો વેગવંતા બની શકે છે.
ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો રજૂ
ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈ પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ચાર વાગ્યે દિલ્હી જવા રવાના થશે. બંને જણા હાઈકમાન્ડ સાથે બેઠક કરશે અને તેમાં ગુજરાતમાં મંત્રીમંડળની યાદીને લઈને ચર્ચાઓ કરશે. ત્યાર બાદ કેબિનેટની યાદી મંજુર થશે. દિલ્હીમાં જ ગુજરાતના મંત્રીમંડળ માટે આખરી નિર્ણય લેવાય તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે.
12 ડિસેમ્બરે શપથવિધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.