ડાયમંડ નગરી સુરતમાં પણ ફરી એકવાર કોરોનાનો કહેર વધ્યો છે. સુરતની નાના વરાછામાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા છે. આ પાંચેય વિદ્યાર્થીઓ ધો. 7ના હોવાનું સામે આવ્યું છે.


પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળતા અનેક વિદ્યાર્થીઓને ચેપ લાગ્યાની આશંકા સેવાઈ રહી છે. સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાતા પાલિકાએ શાળાના પ્રાથમિક વિભાગને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો કોરોનાના કેસો નોંધાતા સ્કૂલના અન્ય 184 વિદ્યાર્થીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 475 નવા કેસ નોંધાયા હતા જ્યારે 358 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 264195 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે. હાલ 2638 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 લોકો વેન્ટિલેટર પર અને 2599 લોકો સ્ટેબલ છે.