સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ભાજપના કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજયું છે. જેને કારણે આ ગુનો હત્યામાં પરિણમ્યો છે.
અંદાજે ૧૫થી વધુ અજાણ્યા શખ્શોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો તેમજ ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, સુદામડાના સરપંચના ઉમેદવાર સહિત 2 સાથીદારો ફોર્મ ચકાસણી બાદ બોલેરોમાં સુદામડા જઇ રહ્યા હતા. આ સમયે ડમ્પર સાથે અકસ્માત કરીને કેટલાક શખ્સોએ કુહાડી, ધારીયુ અને લાકડી લઇને હુમલો કરી દીધો હતો. જેમાં 5 યુવાનોને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા.
આ હુમલામાં સરપંચના ઉમેદવાર કરમણભાઇ આલાભાઇ ખાંભલા, ખેંગારભાઇ, કરશનભાઇ, અરજણભાઇ ખીમાભાઇ, બીજલભાઇ હાથીયાભાઇ પર હુમલો થયો હતો. આ હુમલામાં ખેંગારભાઇ, કરશનભાઇ અને કરમશીભાઇને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સાયલા લઇ જવાયા હતા. જેમાં ખેંગારભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં તેમનુ સારવાર દરમિયાન નિધન થયું છે.
નર્મદાઃ રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલરે ગઈ કાલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. કોર્પોરેટર નામદેવ દવે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પત્ની અને પુત્રી વડોદરા હતા ત્યારે આપઘાત કર્યો હતો. પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક પાલિકા સભ્યની પત્નીની ફરિયાદને આધારે રાજપીપળા પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નામદેવ દવે એ રાજપીપળા સ્થિત પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે આપઘાત કર્યો ત્યારે એમની પત્ની અને પુત્રી રાજપીપળામાં હાજર નહોતા.
આપઘાતની જાણ થતાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ ફૂલદીપ સિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં દોડી આવ્યા હતા. પાડોશીઓ નામદેવ દવેને તુરંત રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જો કે હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા હતા. રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે નામદેવ દવેના મૃતદેહને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાયા બાદ પરિવારજનોને સોંપણી કરાઈ હતી. નામદેવ દવેની પત્નીની ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.