સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં બનેલી એક અત્યંત આઘાતજનક અને ઘૃણાસ્પદ ઘટનામાં ત્રણ હવસખોર આધેડે એક માનસિક બિમાર યુવતીને સરકારી સ્કૂલમાં લઈ જઈને વારંવાર શરીર સુખ માણ્યું હતું. આ હેવાનિયતના કારણે સગર્ભા બની ગયેલી માનિસક બિમાર યુવતી બે દિવસ પૂર્વે કુંવારી માતા બની હતી. આ  યુવતીએ ચોટીલા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો.


યુવતી પર ગામના જ ત્રણ નરાધમ પ્રૌઢે અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો પરિવારે આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે ત્રણેય પ્રૌઢ હવસખોરોને ઝડપી લઇવે તેમની સામે બળાત્કાર સહિતની આકરી કલમો લગાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


આ ઘટનાની વિગત એવી છે કે, બે દિવસ પહેલાં એટલે કે શનિવારે બે દિવસના નવજાત બાળકને રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળકના નામ પાછળ તેની માતાનું નામ હોસ્પિટલમાં લખાવવામાં આવ્યું હતું તેથી હોસ્પિટલે તેના પિતા વિશે પૂછપરછ કરતા તેમણે કહ્યું કે, યુવતીની મા બળાત્કારનો ભોગ બની છે.


હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરતાં  બાળકને હોસ્પિટલે લઇને આવનાર તેની નાનીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બાળકની માતા 18 વર્ષની છે અને કુંવારી છે. આ યુવતી માનસિક રીતે પણ બિમાર છે. આઠ મહિના પૂર્વે યુવતીને ગામમાં આવેલી સરકારી સ્કૂલના બાથરૂમમાં લઇ જઇ ગામમાં જ રહેતા આંબા, માધા અને કાનાએ શરીર સુખ માણ્યું હતું. એ પછી આ ત્રણેયે અવારનવાર યુવતીને લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધતા યુવતી કુંવારી માતા બની હતી.


આ અંગે રાજકોટ પોલીસે જાણ કરતાં ચોટીલા પોલીસ ગામમાં દોડી ગઇ હતી. યુવતી પર બળાત્કાર ગુજારનારા ત્રણેય નરાધમોને ઉઠાવી લીધા હતા. યુવતીની બહેને કહ્યું હતું કે, કુંવારી માતા બનનાર યુવતી છ બહેન અને એક ભાઇમાં ચોથો નંબર છે અને માનસિક બીમાર છે.  ત્રણેય આરોપી પૈકી કાનો અને માધો પ્રૌઢ છે તેમના ઘરે પૌત્ર-પૌત્રી પણ છે. મોટી ઉંમરના હોવા છતાં ત્રણેય હેવાને યુવતીની બિમારીનો ગેરલાભ ઉઠાવી તેના પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.