સુરેન્દ્રનગરઃ સુરેદ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર, કાનપરા પાટિયા પાસે પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


Bhavnagar: ભાવનગરમાં લાખોની કિંમતના સરકારી અનાજની ચોરી, તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા


ભાવનગર: પાલીતાણામાં સરકારી અનાજનો જથ્થો પણ સુરક્ષિત નથી. સંપૂર્ણપણે રામ ભરોસે ચાલતા સરકારી અનાજના ગોડાઉનમાંથી તેલના ડબ્બાઓ અને તુવેરદાળની બોરીઓની ચોરી થઈ છે. જો કે, નવાઈની વાત એ છે કે, સીસીટીવી કેમેરા આવી ગયા હોવા છતાં પણ લગાવવામાં આવ્યા નથી. ગોડાઉનનો દરવાજો પણ તૂટેલો છે. ચોરાયેલો અનાજનો જથ્થો મધ્યાહન ભોજનમાં વપરાતો હતો, વર્ષોથી અનાજનું ગોડાઉન રામ ભરોસે ચાલતું હતું. જો કે તપાસ કરવામાં આવે તો લાખો નહીં પણ કરોડો રૂપિયાનું અનાજ ચોરાયુ હોવાનું ખુલ્લી શકે છે.


પુરવઠા વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે


સરકારી અનાજના ગોડાઉનમાં જ ચોરોએ ધાડ પાડતા વિભાગના જવાબદાર અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અધિકારીઓ માત્ર સરકારનો બેઠા બેઠા પગાર જ ખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાલીતાણા સરકારી ગોડાઉનમાં મધ્યાહન ભોજન માટે વપરાતા 270 તેલના ડબ્બા અને 60 જેટલી તુવેરદાળની બોરીઓ ચોરાઈ જવાની ઘટના બહાર આવી છે. વર્ષોથી અનાજના ગોડાઉનમાં સીસીટીવી લગાવવાની વાતો થઈ રહી છે પરંતુ માત્ર કાગળ પર જ રહી છે. ચોરીના બનાવ બાદ પુરવઠા વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.


અનાજના ગોડાઉનમાં ચોરી બાદ સરકારી વિભાગ એક્શનમાં આવ્યું હતું. અંદાજે નવ લાખ રૂપિયાનું અનાજ ચોરી થયું હોવાનું જણાઈ રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ તપાસ ચલાવી રહી છે હજી સુધી ચોર કોણ છે તે બહાર આવ્યું નથી. સરકારી અનાજનો ગોડાઉન છે ત્યાં સુરક્ષિત માટે મૂકવામાં આવેલા દરવાજા પણ તૂટેલી હાલતમાં છે. વર્ષોથી સિક્યુરિટી ગાર્ડ પણ નથી, તેવામાં અનાજ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. જોકે એવું પણ ચર્ચા રહ્યું છે કે આજકાલનું નહીં પણ વર્ષોથી અનાજના ગોડાઉનમાં ચોરીનો બનાવ બનતો હતો. જો કે તપાસ બાદ સત્ય શું છે તે બહાર આવશે. પરંતુ સરકારી અનાજ જ સુરક્ષિત ન હોવાને લઈ અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, અનાજના ગોડાઉનમાં અંદાજે પાંચ ટન જેટલો માલ ચોરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.