India vs Pakistan in T20 World Cup: ક્રિકેટ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રોમાંચક મેચ હોય છે. જો બંને ટીમો વર્લ્ડકપ જેવી ટુર્નામેન્ટમાં આમને સામને હોય તો ક્રિકેટ ચાહકો ફાઇનલ પહેલા આ મેચને ફાઇનલ કહે છે. જ્યારે પણ આ બે કટ્ટર હરીફ સામસામે આવે છે, ત્યારે બંને ટીમના ખેલાડીઓ મેચ જીતવા પોતાની તમામ તાકાત લગાવતા હોય છે.


જોકે, વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ શરમજનક છે. તે ક્યારેય વનડે અને ટી 20 બંને ફોર્મેટમાં ભારત સામે જીત નોંધાવી શક્યો નથી. જો તે આ વખતે આવું કરે છે, તો પાકિસ્તાનના મોટા રોકાણકાર આ વિજયના બદલામાં ટીમને કોરો ચેક આપવા તૈયાર છે.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાનના એક સમાચાર અનુસાર, રમીઝ રાજાએ કહ્યું કે પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ તેમને વચન આપ્યું છે કે જો તેમની ટીમ આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભારતને હરાવે તો તેઓ કોરો ચેક સોંપશે.


પીસીબી ચીફ રમીઝ રાજાને બાબર આઝમની કેપ્ટન્સીવાળી ટીમમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે તે પોતાના કટ્ટર હરીફ ભારતને વર્લ્ડ કપમાં હરાવવામાં સફળ રહેશે.


રમીઝે કહ્યું, 'એક મોટા રોકાણકારે મને કહ્યું કે જો આગામી ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને હરાવે તો પીસીબી માટે એક કોરો ચેક તૈયાર છે.' રમીઝ રાજાએ આ વાત આંતર-પ્રાંતીય સંકલન (આઈપીસી) ની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કહી હતી.


તમને જણાવી દઈએ કે બંને ટીમો વર્લ્ડ કપમાં કુલ 12 વખત આમને -સામને છે. આ દરમિયાન, બંને ટીમો વનડે વર્લ્ડ કપમાં 7 વખત અને ટી 20 વર્લ્ડ કપમાં 5 વખત એકબીજા સામે રમ્યા છે. વનડે વર્લ્ડ કપમાં તેનો રેકોર્ડ 7-0 છે, જ્યારે ટી 20 વર્લ્ડ કપમાં તે આજ સુધી ભારત સામે જીત્યો નથી.


વર્ષ 2007 માં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી હતી, ત્યારે પાકિસ્તાને ભારત સામે મેચ રમી હતી પરંતુ મેચ ટાઈ થયા બાદ બોલ્ડ આઉટમાં પાકિસ્તાન હારી ગયું હતું.