TAPI : તાપી જિલ્લાની ડોલવણ પોલીસે એક પાખંડી ભુવાની ધરપકડ કરી છે. આ પાખંડી ભુવાએ માનતા પુરી કરવાની વિધિ કરવાના બહાને એક યુવતીને અવાવરું જગ્યાએ બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરી ગુનો કરતા પોલીસે આ પાખંડીને ઝડપી પાડ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનમાં એક 23 વર્ષીય યુવતીએ એક પાખંડી વિરુદ્ધ શારીરિક અડપલાંની ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 


આરોપી પાખંડી ભુવો વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરુદ્ધ અવાવરું જગ્યા એ લઈ જઈ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા જેમાં પોલીસે આ પાખંડી ભુવા ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં હાલ માતાજીના ભુવાના નામે આરોપીએ માનતા પુરી કરવા વિધિ કરવાના બહાને યુવતી સાથે શારીરિક છેડતી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી લઈ અન્ય કોઈ મહિલા કે યુવતી આ પાખંડીનો ભોગ બની છે કે નહીં એ દિશામાં તપાસ શરૂ કરી છે. 


ડબલ મર્ડર કેસનો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો
ભાવનગરના ચકચારી ડબલ મર્ડર કેસ (Bhavnagar double murder case)નો આરોપી કરીમ શેરઅલી અમદાવાદમાંથી ઝડપાઈ ગયો છે.  ચોક્કસ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યારા કરીમ શેરઅલીને અમદાવાદમાંથી ઉઠાવી લીધો, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાવનગરના ડબલ મર્ડર કેસના આ આરોપીએ 52 દિવસ પૂર્વે સવાઈગરની શેરીમાં માતા-પુત્રી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. 


હત્યારા કરીમ શેરઅલીએ ફરિયાલબેન અને તેમના માતા ફરીદાબેન ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બન્નેનું મોત થયુ હતું. સવાઈગરની શેરીમાં દોઢ માસ પૂર્વે સિમેન્ટ-રેતી લઈ લેવા જેવી નજીવી બાબતમાં એક શખ્સે માતા-પુત્રી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ  બનાવમાં સારવાર લઈ રહેલા માતા-પુત્રીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા ચકચાર મચાવનારી આ ઘટના ડબલ મર્ડર (Bhavnagar double murder case) માં પરિણમી હતી. ક્રાઇમ બ્રાંચ હત્યારા કરીમ શેરઅલીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.