Tapi : તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ અને પુરની પરિસ્થિતિમાં ખેતરોમાં નુકશાની થવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જિલ્લામાં અંદાજે 150 હેકટરથી વધુ જમીનમાં નુકસાન થવાનો અંદાજ હાલ લગાવવામાં આવ્યો છે. પરંતુ હજુ સર્વે ની કામગીરી યથાવત છે. 


150થી વધુ હેક્ટરમાં નુકસાન
તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈ પુરની પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં મહત્તમ ખેતી પર નભતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા મુજબ 150 હેકટર જમીનમાં નુકસાન થવાનું હાલ જણાઈ આવ્યું છે. 



તાપી જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ 
તાપી જિલ્લામાં સર્વે યથાવત છે. જિલ્લાના ઘાણી અને અંધાત્રી ગામના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી અને ઓલણ તેમજ પૂર્ણાં નદીના પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ થતા પ્રોટેક્શન વોલની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ વ્યારા તાલુકા પંચાયતના સભ્યના જણાવ્યા મુજબ ખેતીને ખાસુ નુકશાન થવા પામ્યું છે. વહીવટી વિભાગ વહેલી તકે સર્વે કરી સહાય ની ચુકવણી કરે એવી આશા ખેડૂતો રાખી બેઠા છે. 


પાદરામાં પણ 700 એકર જમીનમાં નુકસાન 
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુશળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખાંધા અને ગયાપુરાની  700 એકર જમીનમાં કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ નુકસાનના વળતરની સરકાર પાસે માંગ કરી હતી.


ખાંધા અને ગયાપુરા ગામના ખેડૂતોની દયનિય હાલત
અતિવૃષ્ટિ ના કારણે ખેતરો આજે પણ ગોઠણસમા પાણી ભરાયા છે જેના કારણે જગતનો તાત ખેડૂત બેહાલ બન્યો છે. ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાદરાના ખાંધા અને ગયાપુરા ગામના ખેડૂતોની દયનિય હાલત બની છે. જેમાં ખાધા ગામની 400 એકરની જમીનમાં કપાસની ખેતીમાં મોટું નુકસાન થયું છે, સાથે તુવેરના કરાયેલા વાવેતરમાં પણ નુકશાન થયું છે.