તાપી: તાપીના વાલોડ પોલીસ સ્ટેશનમાં FSLના પરિક્ષણ સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો.  જંગલી ભૂંડને મારવા માટે ઉપયોગમાં લેવાયા દેશી બનાવતના વિસ્ફોટકો સાથે પોલીસે 4 શખ્સોને દબોચી લીધા હતા. વિસ્ફોટકોની તપાસ માટે FSLની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ સમયે અધિકારીઓ પરિક્ષણ કરી રહ્યાં હતા તે સમયે અચાનક બ્લાસ્ટ થતા પ્રાજલ પટેલ નામના મહિલા અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા.  જેમને સારવાર માટે વ્યારાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.


રાજ્યમાં 24 કલાકમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી


ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આગામી 24 કલાકમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક બાદ 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે.  જેના કારણે ગરમીમાં વધારો થશે. જો કે 27 ફેબ્રુઆરીએ ફરી 1થી 2 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. 


રાજ્યમાં હજુ પણ વહેલી સવાર તથા રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોર થતા જ ગરમી આકરી થઈ રહી છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી નજીકના સમયમાં વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 


સોનિયા ગાંધીએ રાજકીય સંન્યાસના આપ્યા સંકેત


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.


મોદી સરકાર પર પ્રહાર



કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શાસક હરીફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક બંધારણીય સંસ્થાનો ખોટો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસએ દેશની એક-એક સંસ્થા પર કબજો જમાવ્યો છે અને તે સંસ્થાઓને બરબાદ કરવાનું કામ કરી રહ્યું છે. કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મળીને દેશને આર્થિક રીતે બરબાદ કરવાનું કામ કર્યું છે.









કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંમેલનમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપે દેશની લોકશાહી તોડવાનું ષડયંત્ર રચ્યું છે. બધાએ તેનો વિરોધ કરવો પડશે. ખડગેએ વધુમાં કહ્યું કે વર્તમાન સરકાર આકાશ, ધરતી અને પાતાળ, દેશની તમામ વસ્તુઓ વેચવાનું કામ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિદેશ મંત્રી પર પણ આકરા પ્રહારો કર્યા, તેમણે કહ્યું, વિદેશ મંત્રી એસ. જયશંકરનું આ નિવેદન મોટી નિષ્ફળતાની નિશાની છે કે ચીન એક મોટી અર્થવ્યવસ્થા છે, આવી સ્થિતિમાં તેના પર હુમલો ન કરી શકાય.