Tapi Valod Sugar Mill Accident: તાપી જિલ્લાના વાલોડ સ્થિત કોપર સુગર મિલમાં ગરમ અને ઠંડા પાણીની ટાંકી અચાનક ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ધર્મેશ પટેલ અને અરુણ પટેલ નામના બે નિર્દોષ કામદારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ આકસ્મિક હોનારતે મિલ સંચાલકોની ઘોર બેદરકારી સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

Continues below advertisement

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વાલોડની કોપર સુગર મિલમાં કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ગરમ અને ઠંડા પાણીનો સંગ્રહ કરતી વિશાળ ટાંકી ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. આ ટાંકીના ભારે કાટમાળ નીચે કામ કરી રહેલા કામદારો દબાઈ ગયા હતા, જેમાં ગંભીર ઇજાઓ થવાથી ધર્મેશ પટેલ અને અરુણ પટેલ નામના બે શ્રમિકોના પ્રાણ રવાના થઈ ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાને કારણે મિલ કેમ્પસમાં ભારે અફરાતફરી અને શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સ્થાનિક લોકો અને કામદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે, થોડા સમય પહેલા જ આ ટાંકીનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લોકચર્ચા મુજબ નવેસરથી રિપેરિંગ કામ થયા બાદ પણ ટાંકી તૂટી પડવી એ સત્તાધીશો અને એન્જિનિયરિંગ નિષ્ણાતોની નબળી ગુણવત્તાવાળા કામ તરફ આંગળી ચીંધે છે.

Continues below advertisement

આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. જો વહીવટી તંત્ર અને શ્રમ વિભાગ દ્વારા મિલની ટેકનિકલ તપાસ કરી જવાબદારો સામે કડક કાનૂની પગલાં નહીં લેવાય, તો આગામી સમયમાં આવા અસુરક્ષિત કારખાનાઓ નિર્દોષ શ્રમિકો માટે મોતનું ઘર સાબિત થતા રહેશે.