Tatkal booking OTP rule: જો તમે ક્રિસમસના વેકેશનના સમયે ટ્રેનમાં મુસાફરી કરવા માટે Tatkal Ticket બુક કરાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. Western Railway (પશ્ચિમ રેલવે) એ તત્કાલ બુકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. હવે અમદાવાદ મંડળમાંથી ઉપડતી વધુ ત્રણ ટ્રેનોમાં ટિકિટ બુક કરાવવા માટે OTP Verification ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવો નિયમ 18 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવશે. હવે મુસાફરે આપેલા મોબાઈલ નંબર પર આવેલો કોડ આપ્યા પછી જ ટિકિટ જનરેટ થશે.
રેલવે બોર્ડની સૂચના અનુસાર, પશ્ચિમ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ અટકાવવા અને સાચા મુસાફરોને ટિકિટ મળી રહે તે માટે એક કડક અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવેથી તત્કાલ ક્વોટામાં ટિકિટ બુક કરાવતી વખતે One Time Password (OTP) આધારિત વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. એટલે કે, જ્યારે તમે રિઝર્વેશન ફોર્મમાં જે મોબાઈલ નંબર લખશો, તેના પર સિસ્ટમ દ્વારા એક OTP મોકલવામાં આવશે. આ પાસવર્ડનું સફળ સત્યાપન થયા બાદ જ તમારી ટિકિટ ઈશ્યુ કરવામાં આવશે.
18 ડિસેમ્બરથી આ 3 ટ્રેનોમાં નિયમ લાગુ
અમદાવાદ મંડળના મુસાફરોએ ખાસ નોંધ લેવી કે તારીખ 18 ડિસેમ્બર, 2025 થી નીચે મુજબની ત્રણ મહત્વની ટ્રેનોમાં તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત બનશે:
ટ્રેન નં. 19223: સાબરમતી - જમ્મુ તાવી એક્સપ્રેસ
ટ્રેન નં. 19316/19315: અસારવા - ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ
ટ્રેન નં. 19489: અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ
આ ટ્રેનોમાં નિયમ પહેલેથી જ શરૂ
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવેએ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરથી કેટલીક પ્રીમિયમ ટ્રેનોમાં આ સિસ્ટમ પહેલાથી જ શરૂ કરી દીધી છે. જેમાં સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12957), અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ (12297), સાબરમતી-જોધપુર Vande Bharat Express (12462), હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
ક્યાં લાગુ પડશે આ નિયમ?
આ નવો નિયમ માત્ર ઓનલાઈન બુકિંગ પૂરતો સીમિત નથી. ભલે તમે રેલવે સ્ટેશન પરના કોમ્પ્યુટરાઈઝ્ડ PRS Counter પરથી ટિકિટ લો, કોઈ અધિકૃત એજન્ટ પાસે જાવ, IRCTC Website નો ઉપયોગ કરો કે પછી મોબાઈલ એપ્લિકેશન દ્વારા બુકિંગ કરો - દરેક પ્લેટફોર્મ પર OTP આપવો ફરજિયાત રહેશે.
રેલવે પ્રશાસને તમામ મુસાફરોને અપીલ કરી છે કે બુકિંગના સમયે તેઓ પોતાનો એક્ટિવ અને સાચો મોબાઈલ નંબર જ આપે, જેથી OTP મેળવવામાં અને વેરિફિકેશન પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય અને તેઓ સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે.