Gujarat Police Recruitment: ગુજરાતમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે સુવર્ણ અવસર આવી ગયો છે. એક તરફ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા ઐતિહાસિક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ ઉમેદવારોની તૈયારી માટે સરકાર પણ સક્રિય બની છે. અહેવાલો મુજબ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ઉમેદવારોને તૈયારીમાં કોઈ કચાશ ન રહે તે માટે વિશેષ આયોજન કરી રહ્યા છે.
ઉમેદવારો માટે ખૂલશે પોલીસ હેડક્વાર્ટર? પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ ખૂબ જ મહત્વની હોય છે, અને ઘણા ઉમેદવારોને દોડવા માટે યોગ્ય મેદાન કે સુવિધા મળતી નથી. આ સમસ્યાના ઉકેલ રૂપે, સરકાર આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર (Police Headquarters) અને પોલીસ લાઈન્સના મેદાનો ઉમેદવારોની પ્રેક્ટિસ માટે ખુલ્લા મૂકવાની વિચારણા કરી રહી છે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું માર્ગદર્શન
માત્ર મેદાન જ નહીં, પણ ઉમેદવારોને યોગ્ય દિશામાં તાલીમ મળે તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ની મદદ લેવામાં આવશે. SAG ના નિષ્ણાત કોચ દ્વારા ઉમેદવારોને દોડ અને શારીરિક કસોટી માટેનું વ્યવસ્થિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારના યુવાનો પણ પોલીસ ફોર્સમાં જોડાઈ શકે.
13,591 જગ્યાઓ પર મેગા ભરતી
ગુજરાત પોલીસ વિભાગે વર્ગ-3 સંવર્ગ હેઠળ કુલ 13,591 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરી છે. આ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 ડિસેમ્બર, 2025 થી OJAS પોર્ટલ પર શરૂ થશે અને 23 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે.
ભરતીની વિગતવાર માહિતી:
કુલ જગ્યાઓ: 13,591
PSI કેડર (કુલ 858): જેમાં બિન હથિયારી PSI (659), હથિયારી PSI (129) અને જેલર (70) નો સમાવેશ થાય છે.
લોકરક્ષક દળ - LRD (કુલ 12,733): જેમાં બિન હથિયારી કોન્સ્ટેબલ (6942), હથિયારી કોન્સ્ટેબલ (2458), SRPF (3002) અને જેલ સિપાહીનો સમાવેશ થાય છે.
જોકે, એક ચિંતાનો વિષય એ પણ છે કે અગાઉની ભરતી પ્રક્રિયાનું મેરીટ અને ટ્રેનિંગનું શિડ્યુલ હજુ સુધી જાહેર થયું નથી. કોન્સ્ટેબલ અને પીએસઆઈની જૂની ભરતીના ઉમેદવારો હજુ પણ નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. ભરતી બોર્ડની ધીમી કામગીરીને કારણે ઉમેદવારોમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. તેમ છતાં, નવી જાહેરાત અને સરકારના પ્રોત્સાહક અભિગમથી લાખો બેરોજગાર યુવાનોમાં નવી આશાનો સંચાર થયો છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે છેલ્લી તારીખની રાહ જોયા વિના OJAS પર વહેલી તકે અરજી કન્ફર્મ કરી લેવી.