Rushikesh Patel on TB cure: ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ” કાર્યક્રમમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીબી હવે રાજરોગ કે મહારોગ નથી, પરંતુ યોગ્ય સારવાર અને જાગૃતિથી મટી શકે તેવો રોગ છે. મંત્રી એ ટીબીને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નો અને નિક્ષય પોષણ યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય વિશે પણ માહિતી આપી હતી.

Continues below advertisement

આ પ્રસંગે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે અને ગુજરાત સરકાર આ દિશામાં સક્રિયપણે કાર્ય કરી રહી છે. જેના પરિણામે રાજ્યમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ૯૦ ટકાથી વધુ દર્દીઓને સંપૂર્ણપણે સાજા કરવામાં સફળતા મળી છે. મંત્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ટીબીને અસાધ્ય માનવામાં આવતો હતો, પરંતુ સરકાર અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી આજે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો પર ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબી કોઈ રાજરોગ કે મહારોગ નથી, પરંતુ એક સામાન્ય રોગ છે જે યોગ્ય સારવારથી ચોક્કસ મટી શકે છે. મંત્રી એ “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશ” હેઠળ ટીબીના દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સને અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય દર્દીઓને પણ આ ઝૂંબેશમાં જોડાઈને ટીબીને હરાવવા માટે પ્રેરણા આપી હતી.

Continues below advertisement

ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના ચલાવવામાં આવે છે, જેના હેઠળ દરેક ટીબીના દર્દીને સારવાર ચાલુ હોય ત્યાં સુધી દર મહિને રૂ. ૧૦૦૦ ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મંત્રી એ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ યોજના હેઠળ રાજ્યના ૭ લાખ ૬૮ હજારથી વધુ દર્દીઓને કુલ રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ટીબી કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ નિયમિત અને સંપૂર્ણ સારવાર લેવાથી આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. તેમણે છેલ્લા ૩૫ વર્ષમાં મેડિકલ સાયન્સમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હવે ટીબીની તપાસ અને સારવાર પહેલા કરતાં ઘણી સરળ બની છે અને રાજ્યના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં આ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે.

કાર્યક્રમમાં ટીબી ચેમ્પિયન અને ટીબીના દર્દીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો. અર્બન હેલ્થ કમિશ્નર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ટીબી નિર્મૂલન ઝૂંબેશ માત્ર થોડા દિવસો માટે નથી, પરંતુ એક સતત પ્રક્રિયા છે અને સમાજના સહયોગથી જ ટીબી મુક્ત ગુજરાતનું સપનું સાકાર કરી શકાય છે.

કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર  મતી મીરાબેન પટેલ, રૂરલ આરોગ્ય કમિશનર રતનકંવરબા, ડે. મ્યુનિસિપલ કમિશનર જે. એન. ભોરણીયા, આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો....

વકફ પર જેપીસી રિપોર્ટ: અમિત શાહે વિપક્ષની એક જ લાઈનમાં બોલતી કરી બંધ, જાણો સંસદમાં વકફ જેપીસી રિપોર્ટ પર શું થયું?