ગાંધીનગર: રાજ્યમાં આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની સરહદે સુરક્ષા વધારવામાં આવી છે. મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે ચાર આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ છે. અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતો આતંકી ભારતમાં ઘૂસ્યો હોવાના ઈનપૂટ છે. જેને લઈ ગુજરાત એટીએસે રાજ્યમાં તમામ પોલીસને અલર્ટ કરી દીધી છે.


રતનપુર ચેકપોસ્ટ પર બે ચેક પોસ્ટ ઊભી કરી ઠેર-ઠેર ચેકિંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ બુલેટપ્રુફ જેકેટ સાથે એસઆરપી જવાન તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે બનાસકાંઠાની રાજસ્થાન સરહદે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઇ છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર એસઆરપીના 30 જવાનો, 1 એસઆરપી પીએસઆઇ જયારે 10 પોલીસ જવાનોને બુલેટપ્રુફ જેકેટ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે.

જ્યારે કચ્છના લખપત તાલુકાના ઘડુલી ગામે આવેલી બોર્ડર પર પોલીસ સહિત એસઆરપીના જવાનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચેકપોસ્ટ ઊભી કરી વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ ધાર્મિક સ્થળોની પણ સુરક્ષા વધારાઈ છે.