Thakor Samaj Maha SnehMilan: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા દિયોદર ખાતે મહા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ – સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કેશાજી ચૌહાણ સહિતના અગ્રણીઓ એક તાંતણે જોવા મળ્યા હતા. સમાજમાં ચાલી રહેલા કુરિવાજો અને વ્યસનો ને દૂર કરવા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને એકતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેતાઓએ સમાજને વ્યસનમુક્ત બની, શિક્ષિત અને સંગઠિત બનવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી, તેમજ મૈત્રી કરાર જેવા કાયદાઓનો સખત વિરોધ કરવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

દિયોદર ખાતે ઠાકોર સમાજના દિગ્ગજોનું અભૂતપૂર્વ મિલન

બનાસકાંઠાના દિયોદર ખાતે ઠાકોર બોર્ડિંગમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા મહા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે સમાજના કલ્યાણના હેતુથી ભાજપ અને કોંગ્રેસ ના રાજકીય દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેશાજી ચૌહાણ અને અમૃતજી ઠાકોર સહિતના જિલ્લા અને તાલુકા સ્તરના અનેક રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા હતા. આ મિલને સમાજ માટે એકતાના દર્શન કરાવ્યા હતા, જ્યાં રાજકીય નેતાઓએ પક્ષ કરતાં સમાજને વધુ પ્રાધાન્ય આપીને હાથમાં હાથ મિલાવ્યા હતા.

Continues below advertisement

કુરિવાજો અને બદીઓ દૂર કરવા માટે એકસૂર

સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો અને બદીઓ ને દૂર કરવા માટે જાગૃતિ ફેલાવવાનો હતો. તમામ નેતાઓએ સર્વસંમતિથી વ્યસનમુક્ત બનીને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂક્યો હતો. ધારાસભ્ય કેશાજી ચૌહાણે આ બદીઓને સમાજના દુશ્મનો ગણાવી યુવાનોને શિક્ષણ અને રાજકીય રીતે મજબૂત બનવા માટે અપીલ કરી હતી. મંચ પરથી 'શિક્ષિત બનો, સંગઠિત બનો' નો નારો ગુંજી ઉઠ્યો હતો, જેમાં સમાજ માટે ચિંતન કરીને તમામ લોકોને એક મંચ ઉપર આવવા માટે આહ્વાન કરાયું હતું.

ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરના મહત્ત્વપૂર્ણ નિવેદનો

સાંસદ ગેનીબેન ઠાકોરે તમામ નેતાઓ એક મંચ ઉપર આવતા સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે આનાથી દુઃખનું નિવારણ થયું છે. તેમણે જણાવ્યું કે તેઓ સમાજ માટે કોઈ પક્ષ કરતાં એકતા માટે વધુ કામ કરશે. તેમણે એક ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, જો સમાજ કુરિવાજો અને વ્યસન ઉપર અંકુશ લાવે તો ડોક્ટર, પોલીસ અને વકીલ ના એમ ત્રણ લોકોના ધંધા ઉપર અસર જોવા મળશે. તેમણે મૈત્રી કરાર જેવા કાયદાને ખતરનાક ગણાવીને સમાજને આ કાયદા સામે આકરા થઈ બેસી જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ યુવાનોને વ્યસન મુક્ત બનીને એકત્રિત થવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, બીજા સમાજની હરોળમાં ઊભા રહેવા માટે મહેનત કરવી પડશે. તેમણે વ્યસનમુક્તિનું આંદોલન ઉપાડ્યું ત્યારે કેટલાક લોકોએ તેમને પોટલીવાળા પણ કહ્યા હતા તે વાત યાદ કરી હતી.

સામાજિક બંધારણ અને સંગઠનની નેમ

સ્નેહમિલન કાર્યક્રમમાં માત્ર કુરિવાજો દૂર કરવા અંગે જ નહીં, પણ સામાજિક બંધારણને વધુ સુધારવા માટે પણ ચર્ચા થઈ હતી. સમાજના આગેવાનોએ સમૂહ લગ્ન પર ભાર મૂકવા, વર્ષમાં લગ્નની બે કે ત્રણ તારીખ નક્કી કરવા અને સમાજના નેતાઓ એક મંચ પર આવે તો આગેવાનોનો ઉત્સાહ વધે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સમાજમાંથી નિરક્ષરતા અને ગરીબી જેવા અનેક પ્રશ્નોને હલ કરીને સમાજ વિકાસશીલ બને તેવી નેમ લેવામાં આવી હતી.

GMDC ગ્રાઉન્ડમાં સભાની જાહેરાત અને જાગૃતિનો સંકલ્પ

અલ્પેશ ઠાકોરે સમાજની જાગૃતિ પર ભાર મૂકતા કહ્યું કે, અનેક લોકો જમાના સાથે બદલાયા છે અને આપણે પણ બદલાવવું જરૂરી છે. સમાજમાં જાગૃતતા લાવવા માટે તેમણે 26 જાન્યુઆરી ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ માં એક વિશાળ સભા રાખવાની જાહેરાત કરી. તેમણે આ સભા રાત્રે 3:00 વાગે રાખવાની વાત કરીને વ્યંગાત્મક રીતે જણાવ્યું કે, આનાથી લોકોને ખબર પડે કે હવે અમારા સમાજને પણ જાગૃતતાની જરૂર છે. તેમણે સમાજમાંથી કુરિવાજો દૂર કરીને એકતા દેખાડવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભારપૂર્વક અપીલ કરી.