Anant-Radhika Wedding: મુંબઈ પોલીસે ગુજરાતના વડોદરામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ 32 વર્ષીય એન્જિનિયર વિરલ શાહ તરીકે થઈ છે. તેણે 'X' એકાઉન્ટ @ffsfir પરથી એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે જો અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોમ્બ વિસ્ફોટ થઈ જાય તો આખી દુનિયાની અર્થવ્યવસ્થા પલટાઈ જશે.
આ ખતરનાક સંદેશા પછી, અધિકારીઓએ આ ઇવેન્ટના સ્થળે સુરક્ષા વધારી દીધી અને આરોપીઓની શોધ શરૂ કરી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વિરલ શાહને શોધી કાઢ્યો અને આખરે તેને પકડી લીધો છે. હવે તેને ગુજરાતથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.
આરોપીની ઓળખ વડોદરાના રહેવાસી વિરલ શાહ તરીકે થઈ હતી. એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "તેને આજે સવારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતમાં તેના ઘરેથી પકડી પાડ્યો હતો."
અનંત-રાધિકાના લગ્ન વર્લ્ડ જિયો સેન્ટરમાં થયા હતા
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાએ મુકેશ અંબાણીના વર્લ્ડ જિયો સેન્ટરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી હતી. બોલીવુડના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો જ્યારે ક્રિકેટ અને રાજકીય જગતની હસ્તીઓએ પણ લગ્નમાં હાજરી આપી હતી અને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા.
આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ આવી પહોંચી હતી
આ ભવ્ય લગ્નમાં માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. WWE રેસલર જોન સીના, અમેરિકન મોડલ કિમ કાર્દાશિયન તેની બહેન સાથે પહોંચ્યા હતા. 'કમ ડાઉન' ગીત ગાનારી સિંગર રીમાએ લગ્નમાં પરફોર્મ કર્યું હતું. બોલીવૂડના અનેક દિગ્ગજોએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી.