ભરૂચ: ઝઘડિયાના વાઘપુરા ગામ નજીકથી યુવાન અને યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. વીજ પોલ સાથે ગળેફાંસો લગાવી બન્નેએ આપઘાત કરી લીધો છે. પ્રેમ પ્રકરણમાં આ પગલુ ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે બન્નેની ઓળખ કરવા અને તેમણે આ પગલું કેમ ભર્યું તે માટે તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


10 વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે આચર્યું દુષ્કર્મ


વલસાડના વંકાસ નજીકની હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. હત્યા કરાયેલી હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે. સગીરાના પિતા મહારાષ્ટ્રના તલાસરીના રહેવાસી છે. તલાસરી પોલીસે ગણતરીના કલાકનોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ સ્કૂલે જઈ રહેલી બાળકીનું અપહરણ કર્યું હતું. મહારાષ્ટ્રમાંથી અપહરણ બાદ બાળકીને ગુજરાતના ઉમરગામના વંકાસ નજીક લાવ્યો હતો. વંકાસની હદમાં બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હતી. આ ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે. મહારાષ્ટ્ર અને વલસાડની ઉમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


હાથરસ ગેંગરેપ કેસમાં એસસી-એસટી કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા


ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં SC-ST કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ચારમાંથી ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે એક આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બર, 2020ના રોજ હાથરસમાં કેટલાક યુવકો દ્વારા એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પછી યુવતીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. SC-ST કોર્ટે ત્રણ આરોપી લવ-કુશ, રામુ અને રવિને નિર્દોષ જાહેર કર્યા છે. સંદીપને કોર્ટે 3/110 અને 304 હેઠળ દોષિત ઠેરવ્યો છે. જો કે, પીડિત પક્ષ ચુકાદાથી અસંતુષ્ટ દેખાયો હતો. આ નિર્ણય સામે પીડિત પક્ષ હાઈકોર્ટમાં જઈ શકે છે.


પીડિતાના નિવેદન પર ચાર યુવકોને આરોપી બનાવવામાં આવ્યા હતા


પીડિતાએ સારવાર દરમિયાન પોતાના નિવેદનમાં ચાર યુવકો સંદીપ, રામુ, લવકુશ અને રવિ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. જેના આધારે પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી હતી. આ મામલામાં યુપી પોલીસ પર તમામ પ્રકારના સવાલો ઉભા થયા છે. આરોપ છે કે પોલીસે પરિવારને જાણ કર્યા વિના યુવતીના અંતિમ સંસ્કાર કર્યા હતા. એટલું જ નહીં, યુપી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દાવો કર્યો હતો કે પીડિતા પર ગેંગરેપ થયો નથી. યુપી પોલીસના આ નિવેદન બાદ કોર્ટે યુપી પોલીસને ફટકાર લગાવી હતી. યોગી સરકારે આ મામલે SITની રચના પણ કરી હતી.