છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને ખેસ પહેરાવવાને લઇને વિવાદ વકર્યો છે. છોટાઉદેપુરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ બુટલેગરને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.  જે કાર્યક્રમમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. મધ્યઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ ગીતાબેન રાઠવા હાજર હતા. 


કૂખ્યાત બુટલેગર પીન્ટુ જયસ્વાલ ન માત્ર ભાજપના મંચ પર બેઠો પરંતુ ગોરધન ઝડફિયાએ ફૂલ આપીને સન્માન પણ કર્યું. છોટાઉદેપુરમાં ભાજપના ભરતી મેળામાં બનેલી આ ઘટનાને લઈ વિવાદ છેડાયો છે.  વાત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશના કૂખ્યાત બૂટલેગર પીન્ટુ જયસ્વાલે પોતાની જમીન ભાજપને વેચી છે.  ભાજપે આ જમીન પર પોતાનું કાર્યાલય બનાવ્યું છે. ગઈકાલે છોટાઉદેપુરમાં ભાજપમાં ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બુટલેગર પીન્ટૂ જયસ્વાલ પહોંચ્યો હતો.


અહીં ગોરધન ઝડફિયાએ જમીન વેચવા બદલ પીન્ટુનો આભાર માન્યો હતો.  આ ઘટનાને લઈ કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસે કહ્યું કે, જે શખ્સ પર ગુજરાતમાં દારૂના 8 કેસ નોંધાઈ ચૂકયા છે. તેના પર પોલીસે સકંજો કસ્યા બાદ જો તે બુટલેગર પોતાની જમીન ભાજપને કાર્યાલય બનાવવા માટે વેચે તો આ ઘટના શંકા ઉપજાવે છે. જવાબમાં છોટાઉદેપુર ભાજપના પ્રભારી રમેશભાઈ ઉકાણીએ લૂલો બચાવ કર્યો કે, બુટલેગર પીન્ટુ જયસ્વાલ અજાણતા મંચ પર આવી ગયો હતો.  છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું, અજાણતા મંચ પર બુટલેગર આવી ગયો હતો. કાર્યકમ પત્યા પછી આવ્યો હતો અને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી.  


કોને મળી શકે છે ટિકીટ


ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસ પોત પોતાની બેઠકો પર જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. ગઇકાલે ભાજપમાં એક પછી એક એમ બે ટ્વીસ્ટે નવી રાજનીતિ ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. ગઇકાલે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ પછી નવી ચર્ચાઓ શરૂ થઇ હતી કે આ બન્ને બેઠકો પર બીજા કોણ કોણ દાવેદારો છે અને કોને મળી શકે છે ટિકીટ.


ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર પણ આજે ઉમેદવારો જાહેર થઇ શકે છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે ભાજપના નવા ઉમેદવારોની આજે યાદી જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગઇકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળી હતી, જે લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, આ બેઠકમાં ગુજરાત સહિત દેશના અન્ય લોકસભા વિસ્તારો માટેના ઉમેદવારો પર મંથન થયુ હતુ. આ બેઠકમાં ગુજરાતની રાજનીતિ અને ઉમેદવારો અંગે પણ ગહન ચર્ચા થઇ હતી. ગુજરાતની બાકીની ચાર બેઠકોના ઉમેદવારોના નામ અંગે આ બેઠકમાં ચર્ચા બાદ નક્કી થયા હોવાનું સામે આવ્યુ છે. સુત્રો અનુસાર, વડોદરા અને સાબરકાંઠા બેઠક પર અગાઉ જાહેર થયેલા ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ આ બન્ને બેઠકો પર નવા ઉમેદવારો આવશે. જેમાં વડોદરા બેઠક પર બ્રાહ્મણના સ્થાને બ્રાહ્મણ ઉમેદવાર આવી શકે છે, જ્યારે સાબરકાંઠા બેઠક પર ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ મળી શકે છે.