મે મહિનામાં ખાબકી રહેલો વરસાદ માત્ર ટ્રેલર, મેઘરાજાનું તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે. ચોમાસાને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે  આ વખતે દેશમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. એટલે કે હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં પડતા વરસાદની આગાહીમાં સંશોધન કર્યું છે જેમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે.

આ વર્ષે દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમાં માત્ર ચાર ટકા વધારે કે ઓછાનો તફાવત હોઈ શકે છે. એટલે કે ઓછામાં ઓછો 102 ટકા સુધીનો વરસાદ પડી શકે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સામાન્ય તો મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે જ ચોમાસુ દેશભરના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું હોવાની માહિતી આપી હતી.

 હવામાન વિભાગ અનુસાર 96 ટકાથી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. જ્યારે 90 ટકાથી ઓછો વરસાદ ઓછો અને 90 થી 95 ટકા સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો માનવામાં આવે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ  રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના અપાઇ છે. તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા પણ છે.

28 મે અને 29 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.  દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ પણ વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે.  તો રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરમાં પણ છુટ્ટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

અન્ય રાજ્યના વેધરની વાત કરીએ તો કેરળના કન્નૂરમાં આંધી સાથે મૂશળધાર વરસાદથી ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી થતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો.તેલંગાણામાં પણ મૂશળધાર વરસાદે ઠંડક પ્રસરી દીધી.  હૈદરાબાદ શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી.  નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.