ભરૂચ: સાચણ ગામ નજીકથી ઝાડ પર લટકતી લાશ મળી આવી છે. મૃતદેહ આંકોટ ગામનાં અનિલ સોમાભાઈ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. સાચણથી પિસાદ તરફ કેનાલ રોડ પર  25 થી 30 ફૂટની ઊંચાઈ પર લીમડાના ઝાડ ઉપર લટકેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કે હત્યા તે અંગે તપાસ હાથ શરુ કરવામાં આવી છે.


બનાસકાંઠામાં બાઈક અને જીપ વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત


બનાસકાંઠા: ધાનેરાના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે એક ઘાયલ થયો છે. બાઈક અને જીપ ગાડી વચ્ચે મોડી રાતે અકસ્માતની ઘટના બની હતી. 18 વર્ષીય અરવિદ અને 26 વર્ષીય મહેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી છે. 108 મારફતે ઇજાગસ્તને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોતથી અરેરાટી મચી જવા પામી છે.


નવી સિવિલ હોસ્પિટલમાંથી મહિલાની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ખળભળાટ


સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જુના ટ્રોમા સેન્ટર સામેથી મહિલાની લાશ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ૨૦ વર્ષીય અજાણી યુવતિની રહ્યસ્ય સંજોગોમાં લાશ મળી આવી છે. ગઈ કાલે સાંજે મહિલાનો મૃતદેહ મળી આવતા તંત્ર એલર્ટ થયું હતું. આ અંગે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ પેનલ પીએમ કરાવશે.


હાર્ટ એટેકથી વધુ એક મોત


રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. આ દરમિયાન રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે જાહેર થયેલા ધો. 10ના સીબીએસઈના પરિણામ બાદ એક માતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર સીબીએઈમાં ધો.10માં અભ્યાસ કરે છે. ગઈકાલે પરિણામ જાહેર થયા બાદ તેમના પરિવારમાં ખુશીનો માહોલ હતો. આ દરમિયાન વિદ્યાર્થીના માતા શીતલબા ખુશી વ્યક્ત કરતા હતા. તે સમયે હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો. જે તેમના માટે પ્રાણઘાતક નીવડ્યો હતો. જેના કારણે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.