જામનગર: કોંગ્રેસના ધારાસભ્યોની જ્યારે એક બાજુ ભાજપમાં જોડાવાની હોડ લાગી છે તેવામાં જામનગર જિલ્લાના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્યનો ભાજપે સંપર્ક કર્યો હોવાની અને તેઓ કોંગ્રેસ છોડતા હોવાની વાતો ચર્ચાના એરણે ચડતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ મામલે ધારાસભ્યે મૌન ધારણ કરી લીધું છે.



કોંગ્રેસના એક પછી એક ધારાસભ્ય રાજીનામાં આપીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ બધી તોડજોડ વચ્ચે જામનગર જિલ્લાના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો ભાજપે સંપર્ક કર્યો હોવાનો અને તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા હોવાની ભારે ચર્ચા ઉઠતા રાજકીય ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ ભાજપમાં જોડાવવા અંગે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મૌન ધારણ કરી લીધું છે.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમને ભાજપ તરફથી ઓફર કરવામાં આવી છે પરંતુ તેમણે મગનું નામ મરી નથી પાડ્યું. ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાતા હોવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસના આગેવાનો પણ દોડતા થઈ ગયા છે અને આ અંગે ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.