Gujarat Assembly Election 2022: આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. આ કડીમાં એક સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં EVM લઈને પહોંચેલ કર્મચારીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સંતરામપુર ખાતે ઇવીએમ જમા કરાવવા પહોંચેલ કર્મચારીનું સ્વાગત કરાયું હતું. ઢોલ નગારા સાથે કર્મચારીઓને સ્ટ્રોંગ રૂમ ખાતે આવકારવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરી આવેલ કર્મચારીઓ પણ નાચતા નજરે પડ્યા હતા.
જાણો ક્યા ગામોએ કર્યો મતદાનનો બહિષ્કાર અને કેટલી નોંધાઈ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ
બીજા તબક્કામાં રાજ્યના 14 જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આ અવસરે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે મતદારો અને સમગ્ર ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લાઓમાં થયેલા મતદાનમાં મતદાતાઓએ ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે થયેલા મતદાન અંગે મતદારોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, મતદાતાઓએ પોતાની જવાબદારી સમજીને મતદાન કર્યું છે. 80 વર્ષથી વધુ વયના વડીલો તથા મતદાન મથક સુધી તકલીફ વેઠીને આવેલા દિવ્યાંગોએ ઉત્સાહથી મતદાન કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર લાવવા-લઈ જવાની વ્યવસ્થા, વ્હિલ ચેરની વ્યવસ્થા જેવી સુવિધાઓ પણ કરવામાં આવી હતી. ક્યાંયથી કોઈ ફરિયાદ મળી નથી. આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં લગ્નપ્રસંગ હોવા છતાં વિધિ કરતાં કરતાં મત આપવા આવેલા તમામ વર-વધુ અને તેમના પરિવારજનોનો તેમણે આભાર માન્યો હતો. તો થર્ડ જેન્ડરના મતદારોનો પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પી. ભારતીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જે આજની સકારાત્મક વાત રહી હતી. આજે યોજાયેલા મતદાનમાં ચૂંટણીપંચ દ્વારા વિશેષ રૂપે સજાવાયેલા વિવિધ પ્રકારના બુથ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સખી બુથ, યુથ બુથ, ઇકો ફ્રેન્ડલી બુથ અને મોડેલ બુથનો કન્સેપ્ટ મતદાતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કેટલાક મતદાન મથકો પર સેલ્ફી બુથ પણ હતા. મતદાતાઓએ ઉલ્લાસપૂર્વક સેલ્ફી બુથ પર ફોટો પડાવ્યા હતા અને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.
બે કે ત્રણ જગ્યાઓએ નાની-મોટી ઘટનાઓ બની તે સિવાય તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા અને ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ઝપાઝપીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તથા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારના વાહનના તોડફોડની ઘટના જાણવામાં આવી છે. આ ત્રણ સામાન્ય બનાવોને બાદ કરતા રાજ્યમાં અન્ય ક્યાંય કોઈ ઘટનાઓ બની નથી.
રાજ્યમાં થયેલા બીજા તબક્કાના મતદાન દરમ્યાન ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકો પર ચાંપતી નજર રાખી હતી. આજે 14 જિલ્લામાં આવેલા 26,409 મતદાન મથકો પૈકી 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાયું હતું. આમ, બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરાયું હતું.
રાજ્યમાં મતદાનથી અળગા રહેવા અને બહિષ્કાર કરવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા આ ત્રણ ગામના 06 બુથ પર લગભગ 5,000 જેટલા મતદારોએ મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે. પાણીના પ્રશ્ન અને કેટલીક સામાજિક બાબતોને લઈને આ ત્રણ ગામના લોકોએ મતદાનથી દૂર રહ્યા છે. એ સિવાય બીજે ક્યાંયથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાના સમાચારો નથી.
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 38 જેટલા ECI એલર્ટ્સ આપવામાં આવ્યા હતા. જેમાં EVM અંગેના 26, મતદાન બહિષ્કાર અંગેના 02, ટોળા ભેગા થવાના 04 અને અન્ય 06 મળીને કુલ 38 એલર્ટ્સ મળ્યા હતા. તે તમામ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરીને નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફ્લાઈંગ સ્કૉડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કામાં અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આજે દિવસ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા 27 ફરિયાદો, અન્ય પ્રકારે 28 ફરિયાદો અને ઈમેલ દ્વારા 55 જેટલી ફરિયાદો મળી હતી. કૉલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્ય પ્રચાર માધ્યમો (ECI એલર્ટ્સ) દ્વારા 38 જેટલી ફરિયાદો ધ્યાનમાં આવી છે. આમ કુલ 312 જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. જેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે.