વલસાડ: જિલ્લાના અંતરિયાળ વિસ્તારનું જીવન કેવું હોય એ આપ જાણો જ છો. એમાં પણ જ્યારે બાળક જન્મે ત્યારથી જ એના જીવન ઉપર ખતરો હોય છે ત્યારે એક ગરીબ આદિવાસી પરિવારને કોનો આધાર મળે એવો વિચાર પણ આવે છે. ન સરખી સારવાર, ન સરખું કાઉન્સિલિંગ મળે છે ત્યારે ડોક્ટરોની મહેનત અને દર્દી પ્રત્યેની લાગણીએ આવા કઠિન સમયમાં સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ કપરાડાના એક બાળકથી માટે દેવદૂત બને છે.


કપરાડા તાલુકાના અંતરિયાળ વિરક્ષેત્ર ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. ગામના આદિવાસી લોકો આજુબાજુના વિસ્તારોમાં જઈ સામાન્ય મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. આવી જ રીતે ગુજરાન ચલાવતા વાઘેરા પરિવાર ઉપર આફતનો પહાડ તૂટી પડ્યો જ્યારે એમને ખબર પડી કે એમની 6 મહિનાની દીકરી તન્વીના હ્રદયમાં 2 કાણાં છે અને ઓપરેશન જ એનો જીવ બચાવી શકે એમ છે. સુથારપાડામાં એક દુકાનમાં કામ કરતા મગન વાઘેરા અને ઘરકામ કરતા સવિતાબેન વાઘેરાની દીકરી તન્વી વાઘેરાને વારંવાર શરદી-ખાંસી અને તાવની બીમારી રહ્યાં કરતી હતી. 


પ્રાથમિક આરોગ્ય કેંદ્ર દ્વારા RBSKની ટીમને આ બાળકી રીફર કરવામાં આવી હતી. જેથી RBSKના ડોકટરો પૈકી ડો. કિંજલ પટેલ અને ડો. નિતલ પાડવી અને એમની ટીમ સાથે બાળકોની પ્રાથમિક તપાસ માટે પહોંચ્યા હતા. બાળકીની સામાન્ય તપાસમાં બીજી કોઈ તકલીફ જણાતા ટીમ દ્વારા બાળકીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યાંથી તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં બાળકીનું ઈકો કાર્ડિયોગ્રામ કરાતા માલુમ પડ્યું કે બાળકોમાં જવલ્લેજ જોવા મળતી કોન્જીનેટલ હાર્ટ ડિસિઝ એટલે કે હ્રદયમાં કાણાંની બીમારી ડિટેકટ થઈ હતી.


RBSKની ટીમ દ્વારા બાળકીના પરિવારને કેન્દ્ર સરકારની સંદર્ભ સેવા વિશે માહિતગાર કરી સમજણ આપવામાં આવી હતી કે બાળકીની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે. આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે અક્ષમ ગરીબ પરિવારે સારવારનો કોઈ જ ખર્ચ ઉઠવવો પડતો નથી અને સારામાં સારી હોસ્પિટલમાં બાળકીની સારવાર અને ઓપરેશન થઈ શકે છે. સમજાવટ બાદ બાળકીનો પરિવાર વધુ સારવાર કરાવવા માટે તૈયાર થયો હતો. સિવિલ હોસ્પિટલમાં બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.  યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સંદર્ભ સેવા હેઠળ વિનામુલ્યે બાળકીના હ્રદયનું વીએસડી ક્લોઝર અને પીડીએ લાઈજેશનની સર્જરી કરી સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. 


RBSKની ટીમ દ્વારા હોમ વિઝિટ કરી સતત બાળકીના સ્વાસ્થ્યની માહિતી લેવામાં આવી હતી. સાથે સાથે આશા બહેન, મહિલા હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો દ્વારા પણ સતત ફોલોઅપ લેવામાં આવ્યા હતા. પરિવારને બાળકીની ઓપરેશન પછી રાખવાની કાળજી વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને રેગ્યુલર ચેકઅપ પણ કરાઈ રહ્યું છે. તેમજ રેગ્યુલર ફોલોઅપ માટે યુ.એન. મહેતા હોસ્પિટલની મુલાકાત લેવા માટે પણ RBSKની ટીમ દ્વારા ઘર મુલાકાત સમયે જણાવાય છે. હાલમાં બાળકી એક્દમ સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી રહી છે.


બાળકીની માતા સવિતાબહેને જણાવ્યું હતું કે, સૌપ્રથમ બાળકીને લઈને ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ ત્યાંથી વલસાડ સિવિલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં આ બીમારીની ખબર પડી હતી, પરંતુ RBSKના ડોક્ટરોએ દરેક સમયે સાથે રહી સંદર્ભ સેવાથી ઓપરેશનની માહિતી આપી હતી. તેથી અમે અમદાવાદ હોસ્પિટલમાં ગયા હતાં જ્યાં એકપણ રૂપિયાના ખર્ચ કર્યા વિના તન્વીનું સારી રીતે ઓપરેશન થઈ ગયું હતું. તેમજ દવા કે બીજી વિઝિટ્નો પણ કોઈ ખર્ચ કરવો પડ્યો નથી. દશેક મહિના પહેલા ઓપરેશન કરાયું હતું. હવે મારી દીકરી એકદમ સ્વસ્થ છે. તેથી આ યોજના માટે હું સરકારનો ખૂબ જ આભાર માનું છું.