કોરોનાને ફેલાતો અટકાવવા સાબરકાંઠામાં અહી આવતીકાલથી સાંજે 5 વાગ્યા બાદ બજાર થઇ જશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2020 06:40 PM (IST)
સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધતું જતાં અને રોજબરોજ નવા કેસો નોંધાઇ રહ્યા છે
પ્રતિકાત્મક તસવીર
ઇડરઃ સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધતું જતાં અને રોજબરોજ નવા કેસો નોંધાઇ રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સાબરકાંઠાના ખેડબ્રહ્મા બાદ ઇડરમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, કોરોનાને ફેલાતો અટકાવવા માટે ઇડરમાં બજારનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, આવતીકાલથી સાત દિવસ માટે સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી જ ઇડરમાં બજાર ખુલ્લું રાખવામાં આવશે. ઇડર નગરપાલિકાએ ઇડરના વેપારીઓ સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. જોકે, આ દરમિયાન આવશ્યક સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. નોંધનીય છે કે સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા આગામી સોમવાર 14થી 21 સપ્ટેમ્બર સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લારી-ગલ્લાવાળાઓ પણ આ બંધને સમર્થન આપ્યું છે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં દૂધ, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ અને શાળા-કોલેજો ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં 15 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસ નોંધાયા હતા. જેમાં 31માંથી 26 ડિસ્ચાર્જ થયા છે અત્યારે 5 કેસ એક્ટિવ છે