અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધોછે. રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત, વલસાડ,ભરૂચ,ડાંગ,નવસારી,નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ,ખેડા, દાહોદ, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આ સિવાય અમરેલી, ભાવનગર, દિવ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 8,9,10 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદે છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નુકસાનનો ડર સતાવી રહ્યો છે.
વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે. મકાઈ, ડાંગર સહીત વિવિધ પાક બગડવાની ભીતિ છે. દાહોદ જિલ્લામાં ખેડૂતોને વરસાદ ખેંચાતા ચિંતિત તેમજ હાલાકીનો સામનો કરવો પડે છે.
ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જિલ્લામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી ખેડૂતોમાં વરસાદ આવતાની સાથે જ વાવેતર કરવાની આશા જાગી હતી. સારા વરસાદને લઈને ખેડૂતોએ વાવણી કરી અને સારા પાક માટેની તૈયારી કરવામાં આવી હતી. જોકે હાલ છેલ્લા 15 થી 20 દિવસમાં વરસાદ ન પડતા અને વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે. પોતાના ખેતરમાં કરેલા મકાઈ ડાંગરના પાક જો વરસાદ હજુ લાંબુ ખેંચાય તો તે ખરાબ થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
દાહોદ સહિત જિલ્લાના ખેડૂતો વહેલી તકે મેઘરાજા વર્ષે તેવી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થાય તેવી પણ માંગ કરી રહ્યા છે. મેઘરાજાની રાહ જોઈને બેસેલા ખેડૂતોમાં નુકશાન થવાની ભીતિ જોવા મળી રહી છે. વરસાદ ન આવતા પાક નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.
ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં વરસાદ વરસ્યો નથી જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હાલમાં ખેડૂતો હવે સપ્ટેમ્બરમાં સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial