Rain Forecast: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરને કારણે નદીઓ વહેતી થઈ છે. યુપી, ગુજરાતથી લઈને બિહાર અને આસામ સુધીના ઘણા રાજ્યોમાં પૂરનો કહેર ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગે (Meteorological Department) સોમવારે યુપી સહિત 19 રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે.


મંગળવારે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું (heavy  rain) રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 17-18ના રોજ, પૂર્વ રાજસ્થાનમાં 18ના રોજ, ઓડિશામાં 19ના રોજ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 18-19 જુલાઈએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું  છે.


હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઓડિશા, પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની (heavy  rain) ચેતાવણી  જાહેર  કરી છે. છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતના વલસાડ અને નવસારીમાં ઘરોમાં અનેક ફૂટ પાણી ઘુસી ગયા છે. કેરળના સાત જિલ્લા અને કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રહી હતી


અનંતનાગમાં વાદળ ફાટ્યું, મકાનને નુકસાન


રવિવારે મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના દુરુ વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. જેના કારણે એક મકાનને નુકસાન થયું હતું. આ ઘટનામાં એક પશુનું મોત થયું છે. વહીવટીતંત્ર નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે.


શાહે સીએમ યોગી, હિમંતા અને ભૂપેન્દ્ર પટેલ સાથે  કરી વાત


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ઉત્તર પ્રદેશ, આસામ અને ગુજરાતના મુખ્ય મંત્રીઓ સાથે વાત કરી હતી અને પૂર અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફોન પર વાતચીતમાં શાહને રાજ્યની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી.


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વિશે ગૃહ પ્રધાનને માહિતી આપી હતી. શાહે ત્રણેય મુખ્યમંત્રીઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.