Gujarat Weather update:રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકોને રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ, ત્રણ દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
30 મેની વરસાદની આગાહી
30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
31 મેની વરસાદની સ્થિતિ
31 મેના રોજ પણ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું અનુમાન છે. ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
1 જૂનની આગાહી
1 જૂનના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. સાથે જ છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
તાપમાનમાં ઘટાડાનો અંદાજહવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીથી થોડી રાહત મળશે.ગરમીથી ત્રસ્ત લોકો માટે આ વરસાદની આગાહી રાહતભર્યા સમાચાર લઈને આવી છે, અને હવે સૌની નજર આગામી હવામાન પરિવર્તન પર રહેશે. મેના અંતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટછવાયો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીનું અનુમાન વ્યક્ત કર્યું છે.
દેશના ઘણા રાજ્યોમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. નૌતાપા સિઝન ચાલુ છે, પરંતુ ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તેમજ અન્ય ઘણા રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પૂર્વી ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે. 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આનાથી આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને લૂ ગરમીથી રાહત મળી શકે છે.
કયા રાજ્યોમાં વરસાદ વરસશે
ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. આનાથી આગામી દિવસોમાં તાપમાનમાં થોડી રાહત મળી શકે છે.
