અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામા વિભાગે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. સોમવારના રોજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. બે સિસ્ટમ કાર્યરત હોવાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સિસ્ટમ કાર્યરત હોવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
વરસાદનું રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘ મલ્હાર જોવા મળશે અહીં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.05 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 33.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના પગલે રાજ્યના 206 પૈકી 74 જળાશયો હાઈએલર્ટ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 52 ડેમ હાઈએલર્ટ પર છે તો 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ પર છે. 70થી 80 ટકા ભરાયેલા 13 ડેમ વોર્નિંગ પર છે.