ગઈકાલે રાત્રે ગુજરાતના આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો 7.45 વાગ્યાની આસપાસ જોવા મળ્યો હતો. આ અગનગોળો ધીમે-ધીમે નીચે આવતા બે ભાગમાં વહેંચાઇ ગયો હતો અને આકાશમાં તેજ પ્રકાશિત લિસોટા દેખાયા હતા. આ અગનગોળો જોઈને અનેક તર્ક-વિતર્ક લોકો કરી રહ્યા છે. ખુબજ તેજગતિએ આ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું. પ્રથમ નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ કે તારો ખર્યો હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા હતા. મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતી અને અન્ય ભાગોમાં પણ શનિવારે આ ઘટના જોવા મળી હતી. આ ઘટનાને લીધે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. 


ચીનનું રોકેટ હોવાનો અંદાજઃ
આકાશમાં જોવા મળેલા આ તેજસ્વી લિસોટા અંગે હવે એક અમેરિકી એસ્ટ્રોનોમરનું નિવેદન સામે આવ્યું છે. જોનાથન મેક ડોવેલ જે સેન્ટર ફોર એસ્ટ્રોફીઝીક્સ ખાતે એસ્ટ્રોનોમર છે તેમણે આ ઘટનાના વીડિયોના ટ્વીટમાં જવાબ આપતાં કહ્યું છે કે, આ પ્રકાશિત પદાર્થ ચીનનું રોકેટ હોઈ શકે છે. આ રોકેટ પૃથ્વીના વાતાવરણમાં પરત આવવાનું હતું. પ્રકાશિત લિસોટાની જોવા મળેલી આ ઘટના અને ચીનના રોકેટના પરત આવવાના સમયમાં અને તેના માર્ગમાં ઘણી સામ્યતા છે. જોનાથન મેક ડોવેલે વધુમાં કહ્યું કે, ચીનનું રોકેટ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં છોડવામાં આવ્યું હતું. પૃથ્વી તરફ પરત ફરતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલોક ભાગ સળગી ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે, મારા મતે, આ લિસોટા તેના સળગી ઉઠવાથી પેદા થયા હતા.






કાટમાળ પણ મળ્યોઃ
આ સાથે એક ટ્વીટર યુઝર્સે ટ્વીટ પણ કર્યું છે કે, આ રોકેટનો વધેલો કાટમાળ ધરતી સુધી પહોંચ્યો અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડ્યો હતો. તેમણે આ કાટમાળના ફોટો પણ શેર કર્યા હતા. આ ફોટોના જવાબમાં એક યુઝરે કાટમાળમાં રહેલી રીંગને ચાઈનીઝ રોકેટની સાઈઝ મુજબ હોવાનું જણાવ્યું હતું. આ રીંગનું માપ અંદાજે 3 મીટર હોવાનું પણ જણાવાયું છે.