હાલમાં રાજસ્થાનના અલવરમાંથી, અફધાનિસ્તાનમાંથી ડુંગળીની આવક ચાલુ છે તેમજ સરકારે દેશભરમાં સ્ટોકમર્યાદા લાદી લેતા ડુંગળીના ભાવ હાલમાં થોડા અંકુશ હેઠળ આવ્યા હોવાનું જાણકારોનું માનવું છે. પરંતુ વરસાદથી મહારાષ્ટ્ર, ગુજરાતમાં ડુંગળીનો ૮૦ ટકા પાક નુકશાની પામ્યો હોવાથી ડિસેમ્બર, જાન્યુઆરીમાં પણ આ ભાવ વધારો ચાલુ રહેશે તેવી શક્યતા જોવાઇ રહી છે.
નવા માલની આવકો ચાલુ થયા બાદ ભાવ અંકુશમાં આવ્યા પછી લોકોને રાહત મળે તેમ છે. દિવાળીના તહેવારો આવી રહ્યા છે, તાજેતરમાં દક્ષિણ ભારત , ગુજરાત સહિતના વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના લીધે શાકભાજીના પાકોને ભારે નુકશાની પહોંચી છે.
સપ્ટેમ્બર, ઓક્ટોબરનો આ માલ ડિસેમ્બરમાં આવવાનો હતો તેવામાં નુકશાની થતા આવક અને ગુણવત્તા ઘટશે. હાલમાં રાજસ્થાનના અલવરમાંથી આવતો માલ પણ ડિસેમ્બર સુધીમાં પુરો થઇ જશે જેથી ભાવ હજુ વધવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે આ સ્થિતિમાં હોલસેલ વેપારીઓ માટે ૨૫ ટનની અને રિટેલ વેપારીઓ માટે ૨ ટનની સ્ટોક મર્યાદા લાદી દીધી છે. તેમ છતાંય ભાવ અંકુશની સ્થિતિ જોવા મળી રહી નથી.