TAPI : તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સોનગઢ તાલુકાના ચાકળિયા ગામની શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાની શિક્ષિકાએ જ ફરિયાદ નોંધાવી છે. શાળાના આચાર્ય સુધાકર ગામીતે શિક્ષિકાને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ લાગ્યા છે. શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આચાર્ય શાળાની શિક્ષિકાને બે માસથી અવારનવાર વહીવટી કારણસર હેરાન પરેશાન કરતા હતા. સોનગઢ પોલીસે શિક્ષિકાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ચાકળિયા ગામની શાળાના શિક્ષક આચાર્ય સુધાકર ગામીત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પણ છે. 


જેતપુરમાં ગેરકાયદેસર રિફલિંગ કરતા બાટલા ફાટ્યા
રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ગેસના સિલિન્ડર ફાટ્યાની ઘટના સામે આવી છે. જેતપુરની વોરાવાડ આબલી શેરી પાસે આ બાટલા ફાટ્યા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ગેરકાયદેસર રિફલિંગ કરતા બાટલા ફાટવાની ઘટના બની છે. બાટલા ફાટવાથી એટલો બધો વિસ્ફોટ થયો કે મકાન તૂટી પડ્યું હતપં. વહેલી સવારે ગેરકાયદેસર બાટલા રીફલિગનું કામ ચાલતું હતું. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત
રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આજે શહેરના પેલેસ રોડ પર ગાયએ એક વ્યક્તિને અડફેટ લીધો હતો. જેમા રાહદારીને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રખડતા ઢોરને લઈને રાજ્યમાં અનેક ફરિયાદો સામે આવી રહી છે. જો કે સરકારે રખડતા ઢોર અંગે કાયદો બનાવ્યો હતો પરંતુ કેટલીક વાતોના વિરોધના કારણે આ કાયદો હાલ પુરતો મુલતવી રાખવામાં આવ્યો છે.