કોરોનાએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. એક તબક્કે 14 હજારને પાર પહોંચેલા કોરોનાના કેસો હવે 1400 આસપાસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ એક અઠવાડીયા સુધી લંબાવ્યો છે. પરંતું કોરોના સંક્રમણ કાબૂમાં આવતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના 9થી બપોરના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે.
સરકારે જાહેરાત કરતા કહ્યું કે 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો હવે રેસ્ટોરન્ટ તરફથી કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. જોકે હજુ કાલે વેપાર ધંધા બપોરે ત્રણ વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો , જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.