અમદાવાદઃ ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને 1 ઓક્ટોબરથી તમામ ઝુ અને સફારી પાર્ક ફરી લોકો માટે ખોલી દેવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કારણે લોકડાઉન લદાયું ત્યારથી રાજ્યમાં તમામ પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક લોકો માટે બંધ હતા. હવે અનલોક 4 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા છૂટછાટ મળતાં સરકારના નિર્દેશ અનુસાર તમામ ઝુ અને સફારી પાર્ક ખૂલી જસે તથા સિંહ દર્શન પણ ફરી શરૂ થશે. આ નિર્ણયના કારણે પ્રવાસન ઉધ્યોગ સાથે સંકળાયેલાં લોકોને ફાયદો થશે.

સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 1 ઓક્ટોબરથી જૂનાગઢના સક્કરબાગ ઝુ અને ગીરમાં દેવળીયા સફારી પાર્ક શરૂ કરાશે. લાંબા સમય પછી લોકો સિંહ દર્શનનો લ્હાવો લઈ શકશે. અલબત્ત અભ્યારણ્યો નિયમ મુજબ 16 ઓક્ટોબરથી ખુલશે.

આ અંગે વન વિભાગ દ્વારા પણ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સાથે બેઠકો કરીને પ્રવેશ અંગેના નિયમો શરૂ કરાશે તથા તેમને નિર્દેશો અનુસાર પ્રવાસીઓને પ્રવેશ આપવામા આવશે. ઓનલાઈન બુકીંગ તથા સફારી પાર્કમાં પ્રવાસીઓની સોશ્યલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા વગેરે બાબતો અંગે પણ ચર્ચા અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સક્કરબાગ અને દેવળીયા પાર્ક શરૂ થતાં પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થશે. માત્ર ગીરમાં જ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વનવિભાગ અને સરકારને દર મહિને ગીરમાંથી એક કરોડની આવક થાય છે, ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા ગીરને કારણે વન વિભાગ અને સરકારને પણ નુકશાન છે.