અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યની છ મહાનગરપાલિકાનો વિસ્તાર વધાર્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતની 6 મહાનગરપાલિકાની આસપાસના ગામ અને નગરપાલિકાઓના વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવી હદ વિસ્તારવામાં આવી છે. સરકાર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓની હદ વધારવામાં આવી છે.


આ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં બોપલ, ઘુમા નગરપાલિકાના વિસ્તાર ઉપરાંત નાના ચિલોડા, નરોડા શહેર, કઠવાડા, સનાથલ, વિસલપુર, અસલાલી, રણાસણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં પેથાપુર નગરપાલિકા, કુડાસણ, રાયસણ, રાંડેસણ, સરગાસણ, કોબા, વાસણા, હડમતિયા, વાવોલ, કોલાવાડા, પોર, અંબાપુર, આમિયાપુર, ભાટ, સુઘડ, જુંડાલ, ખોરજ, કોટેશ્વર, નાભોઈ, રાંધેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશનમાં આસપાસના ભાયલી,સેવાસી,બીલ,કરોડીયા, ઉડેરા,વેમાલી અને વડદલા એ સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત કોર્પોરેશનમાં કુલ 27 ગામોનો સમાવેશ કરાયો છે.

સુરત મહાનગરપાલિકામાં સચિન અને કનસાડ નગરપાલિકા ઉપરાંત સેગવા, સ્યાડલા, વાસવરી, ગોથણ, ઉમરા, ભારખાના કોસદ, પારડી ખંડે, તાલનપોર, પાલી, ઉંબેર, ખાંડી ફળિયા, ભાઠા, ઈચ્છાપોર, ભેંસાણ ગ્રામપંચાયતના 5 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરાપાલિકામાં એક સાથે 27 ગામોનો સમાવેશ કરાયો છે તેથી તેનો વિસ્તાર બહુ મોટો થઈ જશે. હવે વિસ્તારની રીતે સુરત અમદાવાદને ટક્કર આપશે.

રાજકોટ કોર્પોરેશન વિસ્તારની નજીક આવેલા માધાપર, મુંજકા, મોટામૌવા, ઘંટેશ્વરનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં અધેવાડા ગામનો સમાવેશ કરવામા આવ્યો છે.