ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીના સ્થાને કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં જોરદાર મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના ટોચના નેતાઓનાં નામ ફરી રહ્યાં છે ત્યારે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવતાં નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.


રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાટીદાર નેતાઓમાં નીતિન પટેલ સૌથી પ્રબળ દાવેદાર છે.  આ માહોલમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  સુરક્ષાના ભાગરૂપે પોલીસે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરી હતી અને ઓલ ક્લીયર મળ્યા પછી જ નીતિન પટેલને કારમાં બેસીને જવા દેવાયા હતા.


નીતિન પટેલની સુરક્ષાને મળી રહેલા અચાનક મહત્વથી એવા સંકેત મળી રહ્યા છે કે, નીતિન પટેલને જ ગુજરાતની ગાદી પર બેસાડીને મુખ્યમંત્રીપદ આપવામાં આવશે. ભાજપનું હાઇકમાન્ડ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે પણ અત્યારે નીતિન પટેલ પ્રબળ દાવેદાર છે.  આજે જ ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે જેમાં નવા નામની જાહેરાત કરવામાં આવશે.


વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી અંગે આજે રવિવારે નિર્ણય લેવાવાનો છે.  આ માટે ધારાસભ્ય દળની બપોરે 3 વાગ્યે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં આવી જવાની સૂચના આપી દેવાઈ છે.


એબીપી અસ્મિતાના રીપોર્ટર્સના અહેવાલ પ્રમાણે, ભાજપ હાઈકમાન્ડે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીપદ આપીને બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. બે નાયબ મુખ્યમંત્રી પૈકી એક નાયબ મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથી અને એક નાયબ મુખ્યમંત્રી અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમાજમાંથી હશે.  આદિવાસી સમાજમાંથી ગણપત વસાવા નાયબ મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ કોને આપવું તે અંગે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો કરાયો છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્યને અપાશે એવું કહેવાય છે.